બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM ગેસ કંપની અને CNG પંપ ડીલર્સ વચ્ચે કમિશનમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સમગ્ર મામલે ગત 10 ઓગસ્ટના રોજ પાલનપુરમાં ડીલરોની મળેલી બેઠકમાં કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ડીલર્સની માંગણીને લઈને નિર્ણય ન લેવાતા મામલો ગરમાયો છે. હવે બંને જિલ્લાના લગભગ 65 પંપ માલિકો અને ઓથોરાઈઝ્ડ ડીલર્સ દ્વારા આગામી 19 ઓગસ્ટે હડતાલનું એલાન કર્યું છે, ત્યારે તમામ ડીલરોએ CNG પંપ બંધ રહેવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ, CNG પંપ ડીલર્સની કમિશન સહિતની વિવિધ માંગણીને લઈને IRM ગેસ કંપનીને અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલા ન લેવાતા CNG પંપ ડીલરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ડીલરોએ ફરીથી 15 ઓગસ્ટે બીજી વખત બેઠક યોજી હતી. જેમાં 65 પંપ માલિકો અને ઓથોરાઈઝ્ડ ડીલર્સ હાજર રહ્યા હોવાનું જણાય છે.
ડીલરોના જણાવ્યા અનુસાર, ‘સમગ્ર મામલે સંગઠન દ્વારા કંપનીમાં ઈમેલ કરીને પોતાની માંગણીઓ રજૂ કરાઈ છે. જેમાં આગામી બુધવારે(19 ઓગસ્ટ) સુધીમાં કંપની દ્વારા સંતોષકારક જવાબ ન મળે તો સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે CNG પંપ બંધ રાખવાની યોજના છે. જો કંપની માંગણીઓ નહીં સ્વીકારે, તો આગળના અઠવાડિયેથી અનિશ્ચિતમુદ્દતની હડતાળ યોજાઈ શકે છે.’
ડીલરોનું કહેવું છે કે, CNG પંપ ચલાવવાનો ખર્ચ છેલ્લાં કેટલાક વર્ષોમાં સતત વધ્યો છે. પરંતુ વર્ષ 2019થી કંપની તરફથી મળતું કમિશન યથાવત છે. બીજી તરફ, ભાવમાં તફાવતના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.
