ડમ્પર ચાલકને બચાવવા કાર લઈને આવેલા માથા ભારે શખ્સે પોલીસને મારી નાખવાની ધમકી આપી

ડમ્પર ચાલકને બચાવવા કાર લઈને આવેલા માથા ભારે શખ્સે પોલીસને મારી નાખવાની ધમકી આપી

તરસાલી ચેકપોસ્ટ પાસે ટ્રાફિક નિયમોનો ભંગ કરી નો-એન્ટ્રીમાં ભારે વાહન પ્રવેશ કરાવવા મામલે અને પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી ધમકી આપવા બદલ બે સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, તા. 21/10/2026ના રોજ સવારે આશરે 8:30 વાગ્યાના સુમારે ટ્રાફિક શાખા (પૂર્વ)ના પોલીસ સબ ઇન્સપેક્ટર એ. એસ. ચૌધરી અને તેમની સાથેના લોકરક્ષક કર્મચારી તરસાલી બ્રિજ નીચે પોઇન્ટ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન તરસાલી ચેકપોસ્ટ આગળથી એક ડમ્પર શહેર વિસ્તારમાં પ્રવેશતું જણાયું હતું. પોલીસ કમિશ્નર કચેરીના ભારદારી વાહન પ્રવેશબંધી અંગેના જાહેરનામાનો ભંગ થતો હોવાથી પોલીસે ડમ્પરને અટકાવ્યું હતું.

ડમ્પર ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (ઉંમર 41, રહે. કેળ ફળિયું, મિઢાલી, તા. શહેરા, જી. પંચમહાલ) પાસે પ્રવેશ માટેનું પાસ કે પરમિટ નહતું.. આ દરમિયાન ચાલકે પોતાના ઓળખીતા મેહુલ ભરવાડને ફોન કરીને બોલાવ્યો હતો. મેહુલ ભરવાડ સ્થળ પર આવી પહોંચ્યો હતો.

પોલીસે વાહન ડીટેન કરવાની વાત કરતા જ મેહુલ ભરવાડ ઉશ્કેરાઈ ગયો હતો અને “હું મેહુલ ભરવાડ છું, કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે” તેમ કહી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ડમ્પર ચાલકને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી દેવાની ઉશ્કેરણી કરી હતી તેમજ પોલીસને જોઈ લેવાની ધમકી આપી બોલાચાલી કરી હતી. આટલું જ નહીં, સાથેના લોકરક્ષક અશ્વીનકુમારે પોતાના મોબાઈલમાં ફોટો પાડવાનો પ્રયાસ કરતા મેહુલ ભરવાડે તેમનો મોબાઈલ ફોન પણ આંચકીને નીચે ફેંકી દીધો હતો અને પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...