સંતાનોના લગ્ન ન થતાં છેલ્લા છ મહિનાથી માનસિક તણાવ અનુભવતા 57 વર્ષીય આધેડે કંપનીમાં ફરજ દરમિયાન એસિડની ટાંકીમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના દોહરીઘાટ તાલુકાના ચોરાડીહ પોસ્ટ વિસ્તારના વતની કમલાપરસાદ સુરેશકુમાર પ્રજાપતિ (ઉં.વ.57) હાલ પાદરા તાલુકામાં કમલેશભાઈ પટેલના મકાનમાં રહેતા હતા. તેઓ પાદરા વિસ્તારમાં આવેલી મયૂર ડાઇ કેમ ઇન્ટરમીડિયેટ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પરિવારમાં 28 વર્ષનો પુત્ર હૃદયનારાયણ અને 24 વર્ષની પુત્રી કાજલ છે. બંને સંતાનોના લગ્ન ન થતાં તેઓ છેલ્લા છ મહિનાથી માનસિક તણાવ અનુભવતા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.
દરમિયાન મંગળવારે તા. 3 નવેમ્બરના રોજ સવારે આશરે 9:15 વાગ્યાના અરસામાં તેઓ કંપનીના એચ-એસિડ પ્લાન્ટમાં આવેલા સલ્ફોનેટર એરિયામાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન તેમણે આત્યંતિક પગલું ભરતાં એસિડની ટાંકીમાં પડી જવાથી ગંભીર રીતે દાઝી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
કંપનીમાં ફરજ દરમિયાન બનેલી આ ઘટનાની જાણ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
