દિવાળીની સફાઈનું પૂર્વોત્તરનાં રાજ્યો સાથેનું એક અજાણ્યું કનેક્શન છે, જેની જાણ બહુ ઓછા લોકોને હશે. સુરત સહિત ગુજરાતમાં દિવાળીના દિવસોમાં લાખોની સંખ્યામાં વેચાતી ઝાડુ માટેનું કુદરતી ઘાસ મિઝોરમ, મેઘાલય અને આસામના પહાડી વિસ્તારોમાંથી આવે છે. દિવાળી પહેલાં જ આ રાજ્યોમાંથી ટ્રકો ભરીને ઘાસનો જથ્થો સુરત પહોંચવા લાગે છે. ઘાસની ગુણવત્તા પ્રમાણે ઝાડુની કિંમત અને ટકાઉપણું નક્કી થાય છે. મોટા વેપારીઓ પાસેથી નાના વેપારીઓ અને ઝાડુ બનાવનારા કારીગરો આ ઘાસ ખરીદે છે. દિવાળીમાં ઝાડુની વધતી માંગને કારણે પીછી બનાવતા કારીગરો માટે પણ રોજગારીની નવી તકો ઊભી થાય છે. આમ, ઘરની સફાઈ માટે વપરાતી એક સામાન્ય ઝાડુ પાછળ પૂર્વોત્તરના પહાડોથી સુરત સુધી ફેલાયેલી વ્યવસાયિક સાંકળ જોડાયેલી છે.
દિવાળીના તહેવારમાં ઘરની સાફસફાઈનું વિશેષ મહત્ત્વ છે. દિવાળી પહેલાં ઘરની સફાઈ કરીને જૂની વસ્તુઓ દૂર કરવાની અને ઘર-આંગણાને સ્વચ્છ બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરામાં ઝાડુનું પણ આગવું મહત્ત્વ છે. ધનતેરસના દિવસે નવી ઝાડુ ખરીદવી શુભ માનવામાં આવે છે. અનેક પરિવારોમાં આ દિવસે નવી ઝાડુ ખરીદવાની માન્યતા છે, જ્યારે કાળી ચૌદશે જૂનું ઝાડુ અને માટલું ચાર રસ્તે મૂકવાની પ્રથા પણ આજે જળવાઈ રહી છે. ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી આ પરંપરાઓને કારણે દિવાળીના દિવસોમાં ઝાડુની ખરીદીમાં નોંધપાત્ર વધારો થાય છે.
સુરત સહિત ગુજરાતમાં દિવાળીના દિવસોમાં લાખોની સંખ્યામાં ઝાડુનું વેચાણ થાય છે. જોકે, આ ઝાડુ બનાવવા માટે વપરાતું કુદરતી ઘાસ ક્યાંથી આવે છે તેની જાણ બહુ ઓછા લોકોને હશે. ઝાડુની પીછી બનાવવા માટેનું ખાસ પ્રકારનું પહાડી ઘાસ મિઝોરમ, મેઘાલય અને આસામ સહિતનાં પૂર્વોત્તરનાં રાજ્યોમાંથી સુરત પહોંચે છે. દિવાળી પહેલાં જ આ રાજ્યોમાંથી ટ્રકો ભરીને ઘાસનો જથ્થો સુરત આવવા લાગે છે.
છેલ્લાં 25 વર્ષથી સુરતમાં ઝાડુના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ પટેલના જણાવ્યા મુજબ, આ રાજ્યોના પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે ઊગતા ઘાસની ગુણવત્તા પ્રમાણે તેની 1, 2 અને 3 નંબરની શ્રેણી હોય છે. દરેક ગુણવત્તાના ઘાસના ભાવ અલગ-અલગ હોય છે. ઘાસની ગુણવત્તાની સીધી અસર તેમાંથી બનતી ઝાડુના ભાવ અને તેની ટકાઉ ક્ષમતા પર પડે છે. સારી ગુણવત્તાના ઘાસમાંથી બનેલી ઝાડુ લાંબો સમય ચાલે છે. સુરતમાં દિવાળી પહેલાં ઝાડુ એટલે કે પીછીની માંગ વધતી હોવાથી વેપારીઓ અગાઉથી જ મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો મંગાવીને સંગ્રહ કરે છે. મોટા વેપારીઓ આ ઘાસ સીધું મંગાવે છે અને ત્યાર બાદ નાના વેપારીઓ તેમજ ઝાડુ બનાવતા કારીગરો તેમની પાસેથી જરૂરિયાત મુજબ ઘાસ ખરીદે છે. આ ઘાસમાંથી પીછી તૈયાર કરીને ઝાડુ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. સુરતમાં પીછી બનાવવાનું કામ કરતા અનેક કારીગરો છે. દિવાળીના દિવસોમાં માંગ વધતાં તેમને પણ મોટા પ્રમાણમાં કામ અને રોજગારી મળે છે. આમ, ધનતેરસે નવી ઝાડુ ખરીદવાની માન્યતા અને દિવાળીની સફાઈની પરંપરા માત્ર બજારમાં ઝાડુના વેચાણને જ વેગ આપતી નથી, પરંતુ પૂર્વોત્તરનાં પહાડી રાજ્યોના ઘાસના વેપારથી લઈને સુરતના નાના વેપારીઓ અને કારીગરો સુધી રોજગારીની સાંકળ પણ સર્જે છે.
દિવાળી પહેલાં સુરતમાં ઝાડુની માંગમાં વધારો થતાં સ્થાનિક કારીગરોની સાથે બહારના વિસ્તારોમાંથી પણ કારીગરો રોજગારીની શોધમાં આવે છે. દ્વારકા સહિત ગુજરાતના અન્ય વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં કારીગરો સુરત પહોંચે છે. મહારાષ્ટ્રીયન, ઉત્તર પ્રદેશ અને બંગાળી કારીગરો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક કારીગરો પણ ઝાડુ-પીંછી બનાવવાની કામગીરીમાં કુશળતા ધરાવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના માંગ સમાજના પરિવારોમાં ઝાડુ બનાવવાની કળા પેઢી દર પેઢી આગળ વધી છે. ઘાસમાંથી પીંછી તૈયાર કરવી અને તેને યોગ્ય આકાર આપીને ઝાડુ બનાવવાની કામગીરીમાં તેમની નિપુણતા જોવા મળે છે. દિવાળીના દિવસોમાં વેપારીઓ મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો મંગાવતા હોવાથી કારીગરોને સતત કામ મળતું રહે છે. આમ, દિવાળીની સફાઈ માટે બજારમાં વેચાતી ઝાડુ અનેક કારીગર પરિવારો માટે મોસમી રોજગારી અને આવકનું મહત્ત્વનું સાધન બની રહે છે.
હિન્દુ તહેવારો સાથે જોડાયેલી વર્ષો જૂની માન્યતાઓ અને પરંપરાઓ આજના આધુનિક યુગમાં પણ નાના વેપારીઓ માટે આવકનું માધ્યમ બની રહી છે. દિવાળીમાં ધનતેરસે નવી ઝાડુ ખરીદવાની અને કાળી ચૌદશે ઘરમાંથી કકળાટ બહાર કાઢવાની પરંપરાને કારણે સુરતમાં ઝાડુ અને માટલાના વેપારીઓના ધંધામાં તેજી આવી છે. મંદીના માહોલ વચ્ચે આ પરંપરા નાના વેપારીઓ માટે સંજીવની સમાન બની છે. ધનતેરસના દિવસે અનેક સુરતીઓએ નવી ઝાડુ ખરીદી હતી. કેટલાક લોકોએ દુકાનમાંથી ઝાડુ ખરીદતાં પહેલાં પગરખાં ઉતારી તેની પૂજા કરી હતી. ધનતેરસે ઝાડુ ખરીદવી શુભ માનવામાં આવતી હોવાથી લોકો વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યા છે. ગરીબ હોય કે તવંગર, અનેક પરિવારોમાં આ દિવસે નવી ઝાડુ ખરીદવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજી તરફ, કાળી ચૌદશે ઘરમાંથી કકળાટ બહાર કાઢવાની પરંપરા પણ માટલા અને ઝાડુના વેપારીઓ માટે ફાયદાકારક બની છે. આ દિવસે ઘરમાં રહેલું જૂનું ઝાડુ અને માટલું ઘરની નજીકના ચાર રસ્તે મૂકી દેવાની માન્યતા છે. આ વિધિ કરતાં પહેલાં લોકો નવાં ઝાડુ અને માટલાંની ખરીદી કરી રહ્યા છે. વર્ષ દરમિયાન માટલાનું વેચાણ થતું હોવા છતાં કાળી ચૌદસના બે-ચાર દિવસ પહેલાં તેની માંગમાં ખાસ વધારો થાય છે.
