ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબુ્રઆરી- માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે સ્કૂલોના અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની શરુઆત થઈ છે.આ માટે છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર છે.જોકે શહેરની ખાનગી શાળાઓ પૈકી મોટાભાગની શાળાઓ રજિસ્ટ્રેશન કરાવી રહી નથી.
મળતી જાણકારી પ્રમાણે ખાનગી સ્કૂલોના સંચાલકોના સંગઠને સરકાર સામે પોતાની માગણીઓને લઈને અસહકારનું આંદોલન શરુ કરેલું છે.તેની સાથે સાથે સરકારના શિક્ષણ અધિનિયમ વિધેયકનો પણ ખાનગી સ્કૂલોની સ્વતંત્રતા પર તરાપ ગણાવીને વિરોધ કર્યો છે.જેના કારણે ખાનગી સ્કૂલોના સંચાલકો એફઆરસી સમક્ષ ફી વધારા માટેની દરખાસ્તો રજૂ નથી કરી રહ્યા તો બીજી તરફ બોર્ડ પરીક્ષા માટે સ્કૂલો અને શિક્ષકોના રજિસ્ટ્રેશનનો ૧૦ દિવસથી પ્રારંભ થયો છે પણ વડોદરામાં મોટાભાગની ખાનગી સ્કૂલોએ હજી સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરુ કરી નથી.
જો સ્કૂલો જ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પણ ઘોંચમાં પડી શકે છે..જો સરકાર સ્કૂલ સંચાલકોની રજૂઆત નહીં સાંભળે તો સ્કૂલ સંચાલકોએ તા.૯ અને ૧૦ ડિસેમ્બર એમ બે દિવસ શિક્ષણ બંધ રાખવા માટે પણ નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલકો આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફીમાં વધારો, સરકારની સ્કૂલોના વહીવટમાં ઓછી દખલગીરી સહિતની માગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે.
