અમદાવાદના SG હાઈવે પર જતાં આવતા વાહનો ચાલકોને આવનાર સમયમાં મોટી રાહત મળી શકે છે. કર્ણાવતીથી સરખેજ બ્રિજ અને નીચેના રસ્તાનું કામ ઝડપી બનાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રી પહેલાં YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈ કર્ણાવતી જવા માટે ઓવરબ્રિજ નીચેનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
થોડા દિવસો પહેલાં ટ્રાફિક JCP દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓને સ્થળ પર જઈને આદેશ આપવામાં આવ્યો હતો કે, કર્ણાવતીથી સરખેજ બ્રિજનું કામ વહેલામાં વહેલી તકે એક મહિનામાં પૂરું કરવામાં આવે અને નીચેના રોડ પર પડેલા ખાડા તાત્કાલિક પૂરી દેવામાં આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નવરાત્રી પહેલાં YMCA ક્રોસ રોડથી કર્ણાવતી જવા માટે ઓવરબ્રિજ નીચેનો રોડ શરૂ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
જો YMCA ચાર રસ્તાથી પ્રહલાદનગર ચાર રસ્તા અને કર્ણાવતી ક્રોસ રોડ સુધીનો રસ્તો ખુલ્લો મુકાઈ જાય, તો અત્યાર સુધી વાહનચાલકોને YMCA ક્રોસ રોડથી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ તરફ ડાયવર્ઝન લઈને 3 કિલોમીટર જેટલો લાંબો ફેરો મારીને કર્ણાવતી ચાર રસ્તા પહોંચવું પડતું હતું, તેમાંથી મુક્તિ મળશે. આ રસ્તો શરૂ થવાથી વાહનચાલકોના 15 થી 20 મિનિટ જેટલા સમયની બચત થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા કામચલાઉ ધોરણે પૂરવામાં આવ્યા છે. પરંતુ નવો સર્વિસ રોડ તૈયાર કરીને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યા બાદ ખાડાવાળી જગ્યાએ પેવર બ્લોક અને ડામરથી વ્યવસ્થિત કામ કરવામાં આવશે. હાલમાં બ્રિજ નીચેના રસ્તા પર રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થતાં જ બ્રિજ નીચેનો આખો રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે, જેથી નવરાત્રી પહેલાં જ લોકોને મોટી રાહત મળી શકે છે.
મહત્વનું છે કે, ઓગસ્ટ 2025થી YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આથી YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ક્લબ ક્રોસ રોડ જવા માટે ખાસ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. વાહનચાલકોએ YMCA ક્રોસ રોડથી ભગવાન સર્કલ, ત્યાંથી ઝવેરી સર્કલ અને ત્યારબાદ કર્ણાવતી ક્લબ ક્રોસ રોડ તરફ જવું પડતું હતું, જેમાં લોકોની 15 થી 20 મિનિટ બગડતી હતી. હવે આ બ્રિજ નીચેથી YMCA ક્રોસ રોડથી સીધા પ્રહલાદનગર ક્રોસ રોડ અને ત્યાંથી કર્ણાવતી ક્રોસ રોડ જઈ શકાશે, જેનાથી વાહનચાલકોના સમયમાં અડધાથી વધુ ઘટાડો થશે.
મહત્વનું છે કે ગત 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ પોલીસ કમિશનરે ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું હતું કે, ‘અમે અમદાવાદ શહેરના તમામ બ્રિજના કામ, પડેલા ખાડા અને રસ્તાઓની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી રહ્યા છીએ. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજ અંગે મારી સૂચનાથી અમારા અધિકારીઓએ NHAIના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે આ બ્રિજનું નિર્માણ કાર્ય આગામી 31 ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રિજના નિર્માણમાં ઘણી ટેકનિકલ બાબતો સામેલ હોવાથી અમે તેમાં કોઈ ઉતાવળ નહીં કરીએ, પરંતુ બ્રિજની નીચે પડેલા ખાડા પુરવાનું અને રસ્તાના સમારકામનું કામ અત્યારથી જ શરૂ કરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી નીચેના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક શરૂ થઈ શકે તેમ છે અને જ્યારે બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તે પહેલાં નીચેનો તમામ રસ્તો પણ બની જશે.’
અગાઉ NHAIએ એસ. જી. હાઈવે પર કામગીરી પૂરી કરવા અંગે જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી બ્રિજ શરૂ કરવા અંગે પોલીસ કમિશનર સાથે મારી વાત થઈ હતી અને એમની ટીમે અમારી સાઈટ પર પણ મુલાકાત લીધી હતી. આ બ્રિજનું કામ 15 ઓક્ટોબર સુધીમાં ઓલમોસ્ટ પૂરું થઈ જશે અને જો 30 ઓક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો હોય તો ખોલી શકાય તેમ છે. હાલમાં નાનું-મોટું ફિનિશિંગ કામ જેમ કે લાઈટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઈન્ટિંગ અને રોડ ફર્નિચરનું કામ ચાલુ છે, જેમાં થોડા દિવસો જશે અને 31 ઓક્ટોબર સુધીમાં બધું ક્લિયર થઈ જશે. આ સાથે બ્રિજની નીચે પડેલા ખાડા વહેલી તકે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી નવરાત્રિ પહેલાં પૂરી કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’
