લિંબાયતમાં ધારાસભ્યની ઓફિસે ચા-નાસ્તાની ચર્ચા વચ્ચે કાર્યક્રમ 35 મીનીટ મોડો શરૂ

લિંબાયતમાં ધારાસભ્યની ઓફિસે ચા-નાસ્તાની ચર્ચા વચ્ચે કાર્યક્રમ 35 મીનીટ મોડો શરૂ

સુરત પાલિકા દ્વારા લોકોની સુવિધા અને સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે હેતુથી યોજાતા સેવા સેતુ કાર્યક્રમો હવે પ્રજાની સુવિધા કરતાં રાજકીય આગેવાનોના સ્નેહમિલન માટેના કાર્યક્રમ બની રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે. લિંબાયત ઝોનમાં આજે સવારે 10 વાગ્યે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરો સમયસર નહીં પહોંચતાં 10.35 વાગ્યે દીપ પ્રાગટ્ય થયું હતું. આ દરમિયાન વહેલી સવારે જ સેવા સેતુ માટે પહોંચી ગયેલા અરજદારોને આકરા તડકામાં રાહ જોવી પડી હતી.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે કતારગામના અગાઉના સેવા સેતુ કાર્યક્રમમાં પણ મેયર અન્ય કાર્યક્રમમાંથી એક કોર્પોરેટરના ત્યાં ચા-નાસ્તા માટે ગયા બાદ મોડા પહોંચ્યા હોવાની ચર્ચા વચ્ચે તેમની ગેરહાજરીમાં જ દીપ પ્રાગટ્ય કરવું પડ્યું હતું. હવે લિંબાયતમાં પણ નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડું ઉદ્ઘાટન થતાં સેવા સેતુના આયોજન અને પ્રજાના સમય પ્રત્યેની ગંભીરતા સામે સવાલો ઉભા થયા છે.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ માટે પાલિકા તંત્રના કર્મચારીઓ તેમજ વિવિધ કામગીરી માટેના અરજદારો નિર્ધારિત સમય પહેલાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, કાર્યક્રમના ઉદ્ઘાટન માટે પદાધિકારીઓ અને કોર્પોરેટરોની રાહ જોવાતી રહી હતી. સ્થાનિક રાજકીય આગેવાનો ધારાસભ્યની ઓફિસે ચા-નાસ્તા માટે પહોંચ્યા હોવાની અને ત્યાં સમય લાગતાં સેવા સેતુ કાર્યક્રમ સમયસર શરૂ થઈ શક્યો ન હોવાની ચર્ચા સ્થળ પર ચાલી રહી હતી.

સેવા સેતુનો મુખ્ય હેતુ જ લોકોના વહીવટી કામોનો ઝડપી નિકાલ કરવાનો છે ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોને જ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રાહ જોવી પડે તે સ્થિતિ સામે સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને ભરતડકામાં મોટી સંખ્યામાં અરજદારો કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. લોકો અને સેવા આપવા માટેના કર્મચારીઓ સમયસર હાજર હોવા છતાં રાજકીય આગેવાનોના આગમનમાં વિલંબને કારણે કાર્યક્રમ 35 મિનિટ મોડો શરૂ થતાં રાજકીય પ્રાધાન્ય સામે પણ ચર્ચા થઈ હતી.

આ પહેલી ઘટના નથી. અગાઉ કતારગામ ઝોનમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પણ મેયર માયા માવાણી અન્ય કાર્યક્રમમાંથી એક કોર્પોરેટરના ત્યાં ચા-નાસ્તા માટે ગયા બાદ મોડા પહોંચ્યા હોવાની ચર્ચા વચ્ચે તેમની ગેરહાજરીમાં જ દીપ પ્રાગટ્ય કરવું પડ્યું હતું. હવે લિંબાયતમાં પણ નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડું દીપ પ્રાગટ્ય થતાં સેવા સેતુના આયોજનમાં પ્રજાના સમયને કેટલું મહત્વ અપાય છે તે મુદ્દે સવાલો ઊઠ્યા છે. એક તરફ રાજકીય આગેવાનોના આગમનની રાહમાં સેવા સેતુનો કાર્યક્રમ મોડો શરૂ થયો હતો, તો બીજી તરફ મહેસુલી વિભાગના નાયબ મામલતદારોની હડતાળને કારણે અરજદારોને જરૂરી સેવાઓનો સંપૂર્ણ લાભ પણ મળી શક્યો નહોતો. પરિણામે લોકો માટે સુવિધા અને ઝડપી વહીવટી નિકાલના હેતુથી યોજાયેલો કાર્યક્રમ શરૂઆતથી જ વિલંબ અને મર્યાદિત કામગીરીના કારણે ચર્ચામાં રહ્યો હતો.

લિંબાયતના સેવા સેતુ કાર્યક્રમમાં એક તરફ કાર્યક્રમ 35 મિનિટ મોડો શરૂ થયો હતો, તો બીજી તરફ નાયબ મામલતદારોની હડતાળને કારણે અરજદારોને વિવિધ મહેસુલી સેવાઓનો લાભ સ્થળ પર જ મળી શક્યો નહોતો. ખાસ કરીને આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો માટે અરજદારો વહેલી સવારે સેવા સેતુ સ્થળે પહોંચ્યા હતા, પરંતુ નાયબ મામલતદાર હડતાળ પર હોવાથી જરૂરી સહી થઈ શકી નહોતી.

નાયબ મામલતદારની સહી જરૂરી હોય તેવા દાખલાઓ અને પ્રમાણપત્રોની કામગીરી થઈ શકી ન હોવાથી મોટા ભાગના અરજદારો પાસેથી માત્ર ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. હવે હડતાળ પૂર્ણ થયા બાદ સંબંધિત પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોને ફરીથી ધક્કો ખાવો પડશે. સેવા સેતુનો મૂળ હેતુ એક જ સ્થળે લોકોના કામનો ઝડપી નિકાલ કરવાનો હોવા છતાં આજે મહેસુલી વિભાગની હડતાળને કારણે આ કામગીરી અધૂરી રહી હતી.

અરજદારોમાં એવી પણ ચર્ચા થઈ હતી કે નાયબ મામલતદારોની હડતાળ ચાલુ હોવાનું તંત્રને અગાઉથી જાણ હોવા છતાં સેવા સેતુનું આયોજન યથાવત્ રાખવામાં આવ્યું હતું. પરિણામે લોકો સમય અને નાણાં ખર્ચીને સ્થળ પર પહોંચ્યા છતાં તેમને માત્ર અરજી સ્વીકારાવવાનો લાભ મળ્યો અને પ્રમાણપત્ર માટે ફરીથી આવવાની ફરજ પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...