વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાંથી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી પાડી ડ્રગ્સ અને કાર કબજે કર્યા છે.ઇલોરા પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું ખુલેઆમ વેચાણ થતું હોવાની વિગતોને પગલે એસ.ઓ.જી ની ટીમ વોચમાં હતી. જે દરમિયાન પોલીસને ઇલોરાપાર્ક એમઆઈજી ફ્લેટ પાસે એક કારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની વિગતો મળતા પોલીસે ટેક્સી પાસિંગની કાર શોધી કાઢી હતી.
પોલીસે મહેશ ઉર્ફે રોનક દેવીદાસ દેવરે (કૃષ્ણદર્શન સોસાયટી, સમયાલા,તા.વડોદરા) ને કાર સાથે ઝડપી પાડી તપાસ કરતા અંદરથી રૂ.55000 ની કિંમતનું 18 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ કબજે લીધું હતું. પોલીસે ડ્રગ્સ, કાર અને બે મોબાઈલ સહિત 3.67 લાખની મતા કબજે કરી હતી.
રોનકની પૂછપરછ દરમિયાન ટેક્સી પાસિંગ વાળી કાર ત્રણેક મહિના પહેલા લીધી હોવાની અને ડ્રગ્સ માટે ઉપયોગ કરતો હોવાની વિગતો ખુલી હતી. જ્યારે ચારેક દિવસ પહેલા અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસેથી બિરાદર નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની વિગતો બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
