દૈવી ચિત્રણથી ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય માની ના શકાય ગુજરાત હાઇકોર્ટ

દૈવી ચિત્રણથી ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય માની ના શકાય ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ‘દેવી-દેવતા કે પૂજનીય પ્રતીકોના કલાત્મક ચિત્રો ધરાવતી સાડી કે કાપડની સામગ્રીનું માત્ર છાપકામ કે વેચાણ કરવું ભલે તે સાડીની નીચેની કિનારી કે પાલવ પર હોય તેને આપમેળે જાણીબુઝીને બદઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય અથવા જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કરાયેલા ઈરાદાપૂર્વકના કૃત્ય તરીકે માની શકાય નહીં.’ જસ્ટિસ પી.એમ.રાવલે સાડીના એક વેપારી સામે કોઈ વર્ગના ધર્મ કે ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓ દુભાવવાના ઈરાદાપૂર્વકના કૃત્ય તેમ જ સાડી પર ભગવાન ગૌતમ બુદ્ધના ચિત્રો સાડી કે નીચે પાલવ પર છાપીને વેચવા બદલ ધાર્મિક લાગણી દુભાવવા અંગેની નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવતાં આ બાબત સ્પષ્ટ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, આઈપીસીની કલમ-295 હેઠળ માત્ર એવા જ અપમાનજનક કૃત્યો અથવા અપમાન કરવાના એવા પ્રયાસોને સજાપાત્ર ગણવામાં આવે છે, જે નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓને દુભાવવાના જાણીજોઈને અને દૂષિત ઈરાદાથી કરવામાં આવ્યા હોય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ધર્મનું અપમાન અથવા જે તે વર્ગની ધાર્મિક લાગણીઓ દુભાવવાનું કૃત્ય જાણીબુઝીને કે બદઈરાદાપૂર્વક ના કરવામાં આવ્યું હોય તો તેવું આ કલમની જોગવાઈ હેઠળ આવતું નથી.

કેસના રેકોર્ડ પરથી જણાય છે કે, અરજદાર વેપારીએ કથિત રીતે સાડી અને અન્ય કાપડ પર ભગવાન અને ગૌતમ બુદ્ધના ચહેરાની છબીઓ છપાવી હતી, જે વ ના નીચેના ભાગ (પગ/બોર્ડર/પલ્લુનો વિસ્તાર)ને આવરી લે છે અને આમ, કથિત ગુનો આચર્યો છે. અહીં એવું કંઈ જ જણાતું નથી જે કોઈ ચોક્કસ વર્ગના ધર્મ કે ધાર્મિક માન્યતાઓના અપમાન અથવા અપમાનના પ્રયાસનો સંકેત આપે – ખાસ કરીને એવું ઈરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય કે જેનો ઉદ્દેશ્ય કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો હોય. અરજદાર એક વ્યાપારી છે, જે પ્રવર્તમાન બજારના વલણો અને ડિઝાઇન મુજબ સાડી અને ડ્રેસ મટિરિયલના વેપારના સામાન્ય વ્યવસાયમાં રોકાયેલા છે.

દેવી-દેવતા અથવા આદરણીય પ્રતીકના કલાત્મક ચિત્રણવાળા કાપડની સામગ્રીનું માત્ર છાપકામ કે વેચાણ – ભલે તે વ ના નીચેના ભાગે બોર્ડર કે પલ્લુ પાસે હોય – તેને આપમેળે ઈરાદાપૂર્વકની દૂષિત ભાવનાથી પ્રેરાયેલું અથવા જાહેર વ્યવસ્થાને ખોરવવાના ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય માની શકાય નહીં. આમ, અરજદાર વેપારી સામે ધર્મના ગંભીર અપમાનનો અથવા ધાર્મિક લાગણી દુભાવવાનો અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રાથમિક કેસ બનતો નથી. આમ, ઠરાવી હાઈકોર્ટે સુરતના વેપારી વિરુદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...