ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી 3 મેચોની T20 સિરીઝનું શેડ્યૂલ સામે આવ્યું છે. આ સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દિલ્હી ખાતે રમાશે. આ પહેલાં જૂનમાં બંને દેશો વચ્ચે 1 ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમાઈ હતી, જે બાદ હવે બંને ટીમો T20 સિરીઝ માટે સામસામે ટકરાવા તૈયાર છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ સોમવારે (10 ઓગસ્ટ) સ્ટેકહોલ્ડર્સને લખેલા એક પત્રમાં આ સિરીઝ અંગે માહિતી આપી હતી. આ પત્ર મુજબ સિરીઝની ત્રણેય મેચો 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ તારીખો પર પોતાની સહમતી દર્શાવી દીધી છે.
અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બોર્ડના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઈવેન્ટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી, છતાં બોર્ડ આ પત્ર અફઘાનિસ્તાનના 2026 ના ભારત પ્રવાસની નક્કી તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ તરીકે જારી કરી રહ્યું છે. તેથી તમામ મીડિયા રાઈટ્સ હોલ્ડર્સ આપેલી માહિતીના આધારે પોતાની એડવાન્સ પ્લાનિંગ, પ્રોડક્શનની વ્યવસ્થા અને પ્રમોશન સંબંધિત તૈયારીઓ શરૂ કરી શકે છે.’
