આણંદ, શુક્રવાર:::: પૂજ્ય મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મજયંતીના અવસરે આણંદની ડી.એન. હાઇસ્કુલ ખાતે ‘નશાબંધી સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાણા અને નશાબંધી વિભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીજીના ‘નશામુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકજૂથ થયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પ્રજાજનોએ વ્યસનમુક્ત જીવન જીવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લઈને સમાજમાંથી નશાને જડમૂળથી દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનું ભાવિ એવા યુવાધનને નશાથી મુક્ત રાખવું અનિવાર્ય છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં નશાબંધીનો કડક અને અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ, એટીએસ (ATS) અને મરીન પોલીસ દ્વારા ડ્રગ્સ નેટવર્કને ધ્વસ્ત કરી મેળવવામાં આવેલી અભૂતપૂર્વ સફળતા રાજ્ય સરકારની નશામુક્ત ગુજરાત પ્રત્યેની નીતિ દર્શાવે છે.
મંત્રીશ્રીએ યુવાનો અને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, વ્યસનમુક્ત જીવન જ સાચી પ્રગતિ અને સફળતાનો માર્ગ છે. સત્ય અને અહિંસાનું બળ પણ સ્વસ્થ અને વ્યસનમુક્ત શરીર અને મનથી જ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓને જીવનભર વ્યસનથી દૂર રહેવા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ અપીલ કરી હતી અને કહ્યું હતું કેવ્યસન મુક્ત રહેવાથી જીવનમાં પ્રગતિ સાધી શકાય છે. સમાજને નશા મુક્ત બનાવવા માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના સભ્યો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન પત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સમયે મંત્રીશ્રી અને મહાનુભાવો એ નશાબંધી અંગેની રેલીને ડી.એન.હાઇસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી આણંદના વિવિધ વિસ્તારો ઉપર ફરીને નશામુક્ત રહેવાનો સંદેશો ફેલાવ્યો હતો.
આ પ્રસંગે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દીપીકાબેન પટેલ, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિદ્ધિ ગુપ્તે સહિત નશાબંધી વિભાગના અધિક્ષક શ્રી વાનાણી, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
