‘કોલ – 104’ની ભવ્ય સફળતા બાદ ‘અભયમ્ 181’નું નિર્માણ, મુખ્યમંત્રીશ્રીના પ્રતિભાવથી મળી પ્રેરણા

‘કોલ – 104’ની ભવ્ય સફળતા બાદ ‘અભયમ્ 181’નું નિર્માણ, મુખ્યમંત્રીશ્રીના પ્રતિભાવથી મળી પ્રેરણા

ગુજરાતી ફિલ્મ જગતમાં સામાજિક જાગૃતિના વિષયને વધુ મજબૂતીથી રજૂ કરવાના પ્રયાસરૂપે, ‘કોલ – 104’ ફિલ્મની ભવ્ય સફળતા અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ફિલ્મ નિહાળ્યા બાદ વ્યક્ત કરવામાં આવેલા પ્રતિભાવ, સંદેશ અને રિવ્યૂથી પ્રેરાઈને ‘અભયમ્ 181’ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા, દીકરીઓની સલામતી અને અન્યાય સામે અવાજ ઉઠાવવાના સંવેદનશીલ વિષયને કેન્દ્રમાં રાખતી આ ફિલ્મ 9 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ મનોરંજનની સાથે સમાજમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો અને નાગરિકોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.

 

ફિલ્મની કહાની એક નાની બાળકીના ગુમ થવાની ઘટના સાથે આગળ વધે છે. આ ઘટના સાથે જોડાયેલી પરિસ્થિતિઓ અને મહિલાઓ સામે થતા અત્યાચારની વાસ્તવિકતાઓ કહાનીને ગંભીર અને સંવેદનશીલ વળાંક આપે છે. ફિલ્મ માત્ર એક બાળકીની શોધ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ મહિલા અને દીકરીઓની સુરક્ષા, ન્યાય માટેનો સંઘર્ષ તથા અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત જેવા મુદ્દાઓને પણ ઉજાગર કરે છે.

*‘અભયમ્ 181’નો મુખ્ય ઉદ્દેશ મહિલા સુરક્ષા અને દીકરીઓના સન્માન અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે.* ફિલ્મ દ્વારા દર્શકો સમક્ષ એ વાત રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મહિલાઓની સુરક્ષા માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.

ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે હેની સોલંકી, રીયા રાવલ, વૃંદા બારોટ, હીર સુથાર, બ્રિજેશ સોલંકી, બિમલ ત્રિવેદી, સિદ્ધાર્થ કશ્યપ, નિધિ ઉપાધ્યાય, નીલા પટેલ, શાહિદ અલી સૈયદ, વિજય દેસાઈ, દેવલ વ્યાસ અને પાર્થી બારોટ સહાયક ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મનું દિગ્દર્શન રાજેશ ભટ્ટે કર્યું છે, જ્યારે ફિલ્મનો કન્સેપ્ટ અને નિર્માણની જવાબદારી જય વિઝન રાજુ પટેલે સંભાળી છે. સહ-નિર્માતા તરીકે અશોક પટેલે ફિલ્મના નિર્માણમાં સહયોગ આપ્યો છે. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડતી ફિલ્મોના નિર્માણમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જય પટેલે પોતાની જવાબદારી નિભાવી છે.

ફિલ્મનાં ગીતોને મીત મહેતા અને મહેશસિંહ સોલંકીએ સ્વર આપ્યો છે. ફિલ્મનું સંગીત મેહુલ ઠક્કર અને મૌલિક મહેતાએ તૈયાર કર્યું છે, જ્યારે ગીતોના શબ્દો રાજેશ ભટ્ટે લખ્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની જવાબદારી મહેન્દ્ર સવાણીએ સંભાળી છે.

સામાજિક સંદેશ, લાગણી, સંઘર્ષ અને ન્યાયની લડતને રજૂ કરતી *‘અભયમ્ 181’* મહિલા સુરક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયને ગુજરાતી સિનેમાના માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...