જાપાનના નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2026માંથી ભારતીય રમત જગત માટે અત્યંત શરમજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી અને ગોલ્ડ મેડલિસ્ટ પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ પર હોટેલની એક મહિલા કર્મચારી સાથે જાતીય સતામણી અને છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ ઘટનાની ફરિયાદ મળતાં જ જાપાની પોલીસે 40 વર્ષીય સ્વિમરને કસ્ટડીમાં લીધો હતો અને મંગળવારે તેમને સ્પર્ધામાં ભાગ લીધા વગર જ ભારત પરત રવાના કરી દીધો હતો. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા હવે તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવા અંગે ગંભીર વિચારણા કરી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના સોમવારે તે હોટેલમાં બની હતી જ્યાં ભારતીય પેરા સ્વિમિંગ ટીમ રોકાઈ હતી. હોટેલની એક મહિલા હાઉસકીપિંગ કર્મચારી જ્યારે પોતાના નિયમિત કામ માટે શમ્સ આલમ શેખના રૂમમાં ગઈ હતી, ત્યારે તેની સાથે કથિત દુર્વ્યવહાર અને છેડતી કરવામાં આવી હતી. પીડિત મહિલાએ તાત્કાલિક સ્થાનિક હોટેલ મેનેજમેન્ટ અને આયોજન સમિતિને જાણ કરી હતી. સ્થાનિક આયોજકોએ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમના ઉચ્ચ અધિકારીઓ અને જાપાની પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.
ફરિયાદ મળતાં જ જાપાનની પોલીસ હોટેલ પહોંચી હતી અને મોહમ્મદ શમ્સ આલમ શેખને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ મંગળવારે તેને તાત્કાલિક ભારત મોકલી દેવામાં આવ્યો હતો.
>આ ઘટનાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની રમતગમતની ગરિમાને મોટો ફટકો પડ્યો છે.
>પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) આ મામલે અત્યંત કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.
>સૂત્રો મુજબ, PCI શેખ સામે શિસ્તભંગના આકરા પગલાં તરીકે તમામ પ્રકારની રમત સ્પર્ધાઓમાંથી આજીવન પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
>એશિયન પેરા ગેમ્સ પૂર્ણ થયા બાદ આ મામલે સમીક્ષા બેઠક યોજાશે અને ત્યારબાદ સત્તાવાર આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે.
મૂળ બિહારના વતની 40 વર્ષીય મોહમ્મદ શમ્સ આલમ શેખ ભારતીય પેરા સ્વિમિંગના સિનિયર ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.
>વર્લ્ડ પેરા સ્વિમિંગ રેકોર્ડ્સ મુજબ, તે પુરુષોની 100 મીટર બટરફ્લાય અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક કેટેગરીમાં વિશ્વના નંબર-1 રેન્કિંગ પર રહી ચૂક્યો છે.
>2018માં જકાર્તા ખાતે તેણે 200 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
>2025માં રેક્યાવિક ઈન્ટરનેશનલ ગેમ્સમાં 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તેણે ગોલ્ડ જીતીને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો.