તરસાલી ચેકપોસ્ટ પાસે ટ્રાફિક નિયમોનો ભંગ કરી નો-એન્ટ્રીમાં ભારે વાહન પ્રવેશ કરાવવા મામલે અને પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી ધમકી આપવા બદલ બે સામે ગુનો નોંધાયો છે.
ડમ્પર ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (ઉંમર 41, રહે. કેળ ફળિયું, મિઢાલી, તા. શહેરા, જી. પંચમહાલ) પાસે પ્રવેશ માટેનું પાસ કે પરમિટ નહતું.. આ દરમિયાન ચાલકે પોતાના ઓળખીતા મેહુલ ભરવાડને ફોન કરીને બોલાવ્યો હતો. મેહુલ ભરવાડ સ્થળ પર આવી પહોંચ્યો હતો.
પોલીસે વાહન ડીટેન કરવાની વાત કરતા જ મેહુલ ભરવાડ ઉશ્કેરાઈ ગયો હતો અને “હું મેહુલ ભરવાડ છું, કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે” તેમ કહી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ડમ્પર ચાલકને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી દેવાની ઉશ્કેરણી કરી હતી તેમજ પોલીસને જોઈ લેવાની ધમકી આપી બોલાચાલી કરી હતી. આટલું જ નહીં, સાથેના લોકરક્ષક અશ્વીનકુમારે પોતાના મોબાઈલમાં ફોટો પાડવાનો પ્રયાસ કરતા મેહુલ ભરવાડે તેમનો મોબાઈલ ફોન પણ આંચકીને નીચે ફેંકી દીધો હતો અને પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.
