છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતોને શિયાળુ પાકની સિઝન માટે સમયસર બિયારણ અને ખાતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની કીટો હાલ GNFCના ડેપોમાં ધૂળ ખાઈ રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અંદાજે 6 હજાર જેટલી બિયારણ અને ખાતરની કીટો ગોડાઉનમાં જ પડી રહી હોવાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનોએ ડેપો પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.
હાલ શિયાળુ પાકની ખેતી માટે બિયારણ અને ખાતરની આવશ્યકતા છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે 6 હજાર જેટલી કીટોનું સમયસર વિતરણ કરવાના બદલે તે ગોડાઉનમાં જ પડી રહી છે. ખેડૂતોને સમયસર કીટો ન મળે તો વાવણીમાં મોડું થશે અને તેની સીધી વિપરીત અસર પાકના ઉત્પાદન પર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકારી યોજનાનો મૂળ ઉદ્દેશ ખેડૂતોને સમયસર સહાય પૂરી પાડવાનો છે, ત્યારે અધિકારીઓની ઉદાસીનતા અને લાલફિયાશાહીના કારણે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી આ કીટો જરૂરિયાતમંદ ખેડૂતો સુધી ક્યારે પહોંચશે અને તંત્ર ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન બન્યો છે.
