રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર…

Latest News Uncategorized કાયદો રાજકારણ
બોરસદ તાલુકાના અલારસા ગામના રેવાપુરી સીમ વિસ્તારમાં ૧૦ વર્ષથી રસ્તાના અભાવે ૪૦૦ જેટલા પરિવારો વીજળી, પાણી, બીમારી, રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં રસ્તાના અભાવે ડાઘૂઓ કિચડમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે.

અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ કાચા રસ્તાને કારણે બારેમાસ વાહનોની અવર-જવર માટે તકલીફ રહે છે.

ચોમાસામાં પાણી ભરાઈ જતા એક માત્ર કાચા રસ્તા પર કિચડ, પાણીના સામ્રાજ્યના કારણે ૪૦૦ પરિવારો હાલાકીમાં મૂકાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, ચોમાસામાં કોઈ વાહન આવી ન શકતા મૃત્યુ પ્રસંગે અંતિમવિધિ માટે નનામી ટ્રેક્ટર બે કિ.મી. દૂર ગામના સ્મશાન સુધી લઈ જવા ડાઘૂઓ મજબૂર બન્યા છે.

સ્ટ્રીટ લાઈટ સહિત વીજ પુરવઠો ૨૪ કલાકના બદલે ૮ કલાક જ મળી રહ્યો છે. દૂધ ભરવા જવાના રસ્તો ન હોવાથી મહિલાઓને બે કિ.મી. ચાલીને ગામની ડેરી સુધી જવું પડે છે. બાળકો પણ બે કિ.મી. ચાલીને રેવાપુરી મંદિર પાસેની શાળાએ જવા મજબૂર બન્યા છે. ચોમાસામાં પાણી ભરાતા બાળકો શાળાએ નહીં જઈ શકતા અભ્યાસ બગડી રહ્યો છે.

વિસ્તારના લોકોને હૃદય રોગ, પ્રસૂતિમાં ચોમાસામાં ત્વરિત સારવાર મળતી નથી. ચોમાસામાં ૧૦૮ કે ખાનગી વાહન કિચડ, ખાડાવાળા રસ્તાના લીધે આવી નહીં શકતા દર્દીઓને સહન કરવાનો વારો આવે છે.

રસ્તાના કામ માટે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતા રેડવગાનો રસ્તો બનાવવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે. ત્યારે સત્વરે પાકો રસ્તો બનાવવા માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *