ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.
રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
વિવિધ એકમો પ્રમાણે વાત કરીએ તો 15 મહા નગરપાલિકામાં 43, 84 નગર પાલિકામાં 385, 34 જિલ્લા પંચાયતમાં 52 અને 260 તાલુકા પંચાયતમાં 252 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સોસાયટીના રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો અને સમર્થકોને કાઢી મૂક્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. ભાજપ અહીં દાયકાઓથી સત્તામાં છે. ત્યારે આ વખતે એન્ટી ઈન્કમબન્સી ભાજપને નડી શકે છે. જે આપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે એક ચાન્સ બની રહેશે કે તેઓ ભાજપના સૌથી મજબૂત ગઢમાં ગાબડું પાડી શકે.
