ચંપત રાયના રાજીનામાના અહેવાલ ખોટા : 8 આરોપી જેલ ભેગા

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનપાત્રમાંથી દાનની ચોરી થવાના અત્યંત સંવેદનશીલ મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાનપાત્રમાંથી દાન ચોરવાના આરોપમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓને પોલીસે શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. દીવાની ન્યાયાલયના રિમાન્ડ મેજિસ્ટ્રેટ નિવેદિતા સિંહે તમામ આરોપીઓને 29 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં અયોધ્યા જિલ્લા જેલ મોકલી આપ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ પોલીસ કમિશનર (સીઓ) આશુતોષ ત્રિપાઠીને સોંપી છે. હવે આ તમામ આરોપીઓને એન્ટી કરપ્શન કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેમની રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન કસ્ટડી મેળવવા પ્રયાસ કરશે.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 79,85,493 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી 1000 અમેરિકન ડોલર અને અન્ય વિદેશી મુદ્રાઓ પણ જપ્ત કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની ફરિયાદના આધારે ગુરુવારે મંદિરના સેવકો, દાનની ગણતરી કરનારા કર્મચારીઓ અને એક નિવૃત્ત બેન્ક અધિકારી સહિત 8 લોકો તેમજ અન્ય અજ્ઞાત લોકો વિરુદ્ધ રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે રાતોરાત આ તમામની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, ટ્રસ્ટના કર્મચારી અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, અવિનાશ શુક્લ અને નિવૃત્ત બેન્ક કર્મચારી સુભાષ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના મામલે 8 લોકોની ધરપકડ થયા બાદ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાયના રાજીનામાની અટકળોને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા વિજય શંકર તિવારીએ સખત શબ્દોમાં નકારી કાઢી છે. તિવારીએ સ્પષ્ટ કર્યું કે, ચંપત રાયે ઉત્તર પ્રદેશ સરકારની SIT તપાસમાં પૂરો સહયોગ આપ્યો છે અને પોલીસની FIRમાં તેમનું નામ ક્યાંય નથી. VHPએ તેમના રાજીનામાની કોઈ માંગણી કરી નથી અને આ વાતો માત્ર મીડિયાની ઊપજાવી કાઢેલી છે. આસ્થાને ઠેસ પહોંચાડનારા દોષિતોને છોડવા ન જોઈએ, પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિ સામે પણ કાર્યવાહી ન થવી જોઈએ.

તેમજ ચંપતરાય અને અનિલ મિશ્રા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા ન આવવાને કારણે અટકળો ચાલુ રહી હતી, પરંતુ ચંપતરાયના એક પ્રતિનિધિએ નામ ન આપવાની શરતે સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ રાજીનામું આપ્યું નથી.

આ કેસની તપાસ હવે માત્ર ચોરી કરનારાઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પોલીસ હવે એવા લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે જેમણે આ આરોપીઓને દાનપાત્રના પૈસા ગણવાની નોકરીમાં રાખવા માટે ભલામણો કરી હતી. દાનની ગણતરીમાં આશરે 40 જેટલા લોકો સામેલ હતા, જેમાંથી મોટાભાગના લોકોની નિમણૂક આરોપી અનુકલ્પ મિશ્રની ભલામણ પર થઈ હોવાનું સામે આવ્યું છે. સિનિયર એડવોકેટ સઈદ ખાનના જણાવ્યા મુજબ, નવા કાયદા (BNSS)ની જોગવાઈઓ હેઠળ પોલીસ તપાસના કોઈપણ સ્ટેજ પર કોર્ટ પાસે આરોપીઓની કસ્ટડી રિમાન્ડની માગણી કરી શકે છે. આ કેસમાં આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની કલમો સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો પણ લગાવવામાં આવી છે.

રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો આ મામલો રાજકીય રીતે પણ ભારે ગરમાયો હતો. આ વિવાદની શરૂઆત 5 જૂનના રોજ થઈ હતી, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી પવન પાંડેએ દાનપાત્રમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ 7 જૂને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ મુદ્દાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉઠાવ્યો હતો. મામલો ગંભીર બનતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 13 જૂનના રોજ આ મામલે SITની રચના કરીને 15 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો હતો. SITની પ્રાથમિક તપાસમાં ચોરીના આરોપો સાચા સાબિત થયા બાદ આખરે એફઆઈઆર નોંધવાની મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...