સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.
આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 2551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.
ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે એક એવી શરમજનક ઘટના બની હતી કે જેનાથી મતદારોનો રોષ વધી શકે છે. મતદારોને રીઝવવા ગામે ગામે સભાઓના આયોજન કરાયા હતા. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે ભાજપની એક સભામાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જ એક જાગૃત નાગરિકે સવાલ કરવાની હિંમત બતાવતા નેતાના સમર્થક અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય દલીલબાજી વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88 પર ટેકનિકલ ખામીને કારણે EVM મશીન અચાનક બંધ પડી ગયું હતું. મશીન ખોટકાવવાને લીધે વહેલી સવારથી ઉત્સાહભેર આવેલા મતદારોને થોડો સમય હાલાકી ભોગવવી પડી હતી અને મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ચૂંટણી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને અન્ય EVM મશીનની વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે શરૂ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુરમાં અંબે સ્કૂલમાં મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મતદારો અકળાયા હતા. બનાસકાંઠાના અમીર ગઢમાં પણ ઈવીએમમાં ગરબડના અહેવાલ આવતા મતદારો રોષે ભરાયા હતા.
ગુજરાતમાં 15 વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરી શાસન વ્યવસ્થામાં મોટો બદલ જોવા મળ્યો છે, જ્યાં 2025માં નવી રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢ સમાન ગણાતા શહેરી વિસ્તારોમાં પકડ વધુ સુદ્રઢ કરવાના હેતુથી નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેની હવે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ વર્ષ 2002માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. આ વખતે રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજ્યના રાજકીય ફલક પર વિકાસ અને સત્તાના સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
