જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ છત્તીસગઢના બે મજૂરો પર બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું, આ હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓ આ મજૂરો પાસે સામાન્ય નાગરિક બનીને આવ્યા હતા, પહેલા થોડો સમય વાતચીત કરી પછી પાણી માગ્યું અને ગોળીબાર કરી દીધો હતો.
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ઇટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના મજૂરો પર શુક્રવારે બેફામ ગોળીબાર કરાયો જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે એકની સ્થિતિ ગંભીર છે. આ હુમલો લતીફ બટ દ્વારા કરાયો હતો જેની તસવીર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. લતીફ નામનો આ આતંકી પોતાની બેગમાં રાઇફલ છૂપાવીને મજૂરો પાસે સામાન્ય નાગરિક જેમ પહોંચ્યો અને વાતચીત કરવા લાગ્યો.
મજૂરોએ માનવતા દાખવી અને આતંકીને સામાન્ય નાગરિક સમજીને પાણી પાયુ, બન્ને વચ્ચે થોડો સમય વાતચીત થઇ, આતંકી લગભગ ૧૫ મિનિટ સુધી મજૂરોના ઇંટના ભઠ્ઠે બેઠો હતો.
આ મજૂરો પરિવાર સાથે એક ઝૂંપડુ બનાવીને રહેતા હતા, જ્યાં તેમની પત્ની અને બાળક પણ હતું. પત્ની પાણી લેવા માટે રસોડામાં ગઇ કે તુરંત જ લતીફે મજૂરો પર બેફામ ગોળીબાર કરી દીધો. ગોળીબાર કર્યા બાદ પોતાના અન્ય એક સાથીની સાથે લતીફ ભાગી ગયો હતો જેની હાલ સુરક્ષાદળો દ્વારા શોધખોળ ચાલી રહી છે.
