અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સાબરમતી નદી અને ખારીકટ કેનાલમાં દૂષિત પાણી ઠાલવતા તમામ આઉટ ફ્લો એક સપ્તાહમાં બંધ કરવાની કડક સૂચના આપી હતી. તેમજ આગામી વીકલી રિવ્યુ બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા તમામ ઝોનના નાયબ કમિશનરોને તાકીદ કરી હતી. હાલમાં સાબરમતીમાં દૂષિત પાણી ઠાલવતા કનેક્શનો કેટલા છે? તેનો આંકડો પણ અધિકારીઓ પાસે નથી, ત્યારે હવે કેવી કાર્યવાહી થશે? તે આગામી સમય જ બતાવશે.
શાકભાજી અને ફળો વેચતા ફેરિયાઓને માર્ગો પરથી હટાવવા મામલે તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે, આવા વેન્ડરોને નજીકની શાક માર્કેટમાં ખસેડો, પરંતુ યાદ રાખો કે આપણે તેને ત્રાસ આપવાનો નથી. તેની મદદ કરવાની છે. આ સિવાય બ્રિજ અને રોડ સહિતના મહત્ત્વના પ્રોજેક્ટમાં હવેથી જીઆઈએસ મેપિંગ ન થયું હોય તેવા કામના બિલ ચૂકવવાનું બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.
પૂર્વ મંજૂરી વગર 100 દિવસ કરતા સમયથી ગેરહાજર સફાઈ કામદારો મામલે કાર્યવાહી કરવા, 100 કિલોથી વધારે દૈનિક કચરો પેદા થતો હોય તેવા એકમોની ઝડપથી નોંધણી કરવા, તેમજ આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ન ભરાય તેના માટે અત્યારથી જ આયોજન કરવા પણ કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચોમાસા પહેલાં 138 વોટર લોગિંગ સ્પોટની ઓળખ થઈ હતી. તેના બદલે આ વખતે 200થી વધારે સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. આમ વોટર લોગિંગ સ્પોટ ઘટવાના બદલે વધ્યા છે.
સીસીઆરએસ હેઠળ મધ્ય ઝોનમાં પ્રાથમિક સુવિધાઓને લગતી ફરિયાદો વધુ આવતા નાયબ કમિશનર રમ્ય ભટ્ટે દોષનો ટોપલો સ્થાનિક કાઉન્સિલરો પર ઢોળી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘કાઉન્સિલરો જ લોકો પાસે આવી ફરિયાદો કરાવી રહ્યા છે. જેના પ્રતિભાવમાં કમિશનરે ટકોર કરી હતી કે, આ આપણા માટે સારી વાત છે. આપણે લોકોની ફરિયાદ ઉકેલવા જ બેઠા છીએ.’
પશ્ચિમ ઝોનમાં 15 કિલોમીટર ટીપી રસ્તા ખોલવાની સૂચના આપી હતી. તેના બદલે માત્ર 500 મીટર ટીપી રસ્તા જ કેમ ખુલ્યા? કમિશનરના આવા સવાલમાં સંબંધિત ઝોનના અધિકારીએ જવાબ આપ્યો હતો કે, સીએમનો કાર્યક્રમ હોવાથી આખો સ્ટાફ ત્યાં રોકાયેલો હોય રસ્તા ખુલી શક્યા નથી!
અમદાવાદ શહેરમાં જાહેર શૌચાલય કેટલા? તેમાંથી પેઈડ કેટલા અને લોકલ કેટલા? તેને લગતી વિવિધ કામગીરીઓ સાથે કેટલી એજન્સીઓ સંકળાયેલી છે? આવા કોઈ સર્વેનો જવાબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નાયબ કમિશનર આપી શક્યા નહોતા. એટલે કે અધિકારીઓને શહેરની માળખાકીય સવલતોનો ખ્યાલ જ નથી.
