ખાનપુર પંથકના 7 ગામોના ખેતરો જળમગ્ન, વરસાદી પાણી ન ઓસરતાં ખેડૂતો લાચાર, રવિ વાવણી પર પણ સંકટના વાદળો

ખાનપુર પંથકના 7 ગામોના ખેતરો જળમગ્ન, વરસાદી પાણી ન ઓસરતાં ખેડૂતો લાચાર, રવિ વાવણી પર પણ સંકટના વાદળો

વાવ થરાદના ખાનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી ​ખેતીની સિઝન નિષ્ફળ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ​ખેતરોમાં પાકના બદલે મોટાપાયે પાણી પથરાયેલું છે. ખેડૂતો અનુસાર, મહિનાઓથી પાણી ભરાયેલું હોવાથી રવિ વાવણી પર પણ સંકટના વાદળ છવાયા છે. બીજી તરફ, જો પાણી ઓસરે તો જ ફરી ખેતરમાં ખેતી થઈ શકે તેવી સ્થિતિ ઊભી થતાં ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે. આમ, ખાનપુર પંથકની લીધેલી આકાશી તસવીરોમાં ખેડૂતોની વેદનાનું હૃદયદ્રાવક ચિત્ર સ્પષ્ટ જોવા મળે છે.

નવરચિત વાવ-થરાદ જિલ્લાના પાંચથી સાત ગામોના ખેતરોમાં ભરાયેલું પાણી ઓસરવાનું નામ લેતું નથી. ખેડૂતોએ જણાવ્યું કે, ખાનપુર પંથકની ખારાશવાળી જમીનને કારણે પાણીનો કુદરતી નિકાલ ધીમો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાયેલું રહે છે. પરિણામે ખરીફ સિઝનની ખેતી પર ગંભીર અસર પડી છે અને હવે રવિ વાવણી પણ સમયસર નહીં થાય તેવી ચિંતા છે.

લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં જમીનની ફળદ્રુપતા અને ક્ષારતા અંગે પણ ખેડૂતો ચિંતિત છે. ખેતરોમાં પાક નહીં હોવાથી પશુધન માટે ઘાસચારાની સમસ્યા પણ ઊભી થઈ છે. ખેડૂતોની માગ છે કે, તંત્ર તાત્કાલિક પંપની મદદથી પાણીનો નિકાલ કરાવે અને કાયમી ઉકેલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરે. આકાશમાંથી લેવાયેલી આ તસવીરો માત્ર પાણી ભરાયેલા ખેતરો નહીં, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની સાચી વાસ્તવિકતા છતી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...