નરોડામાં દહેગામ રોડ પરથી 15.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નરોડામાં દહેગામ રોડ પરથી 15.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમદાવાદના નરોડા વિસ્તારમાં દહેગામ રોડ પર આવેલા હંસપુરા ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. SMCની આ સરપ્રાઈઝ કામગીરીના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.

બાતમીના આધારે પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 5030 બોટલ દારૂ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 15,58,800 થાય છે. પોલીસ અને વહીવટી તંત્રને થાપ આપવા માટે આ સ્કોર્પિયો કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જ્યારે અંદરથી વાહનની સાચી નંબર પ્લેટ પણ મળી આવી હતી. દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 30,58,800નો જથ્થો કબજે કરી નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા રાજસ્થાનના ખેરવાડા તાલુકાના રહેવાસી જિતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ ડામોરની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેને એક ટ્રીપના 5000 રૂપિયા મળવાના હતા. રાજસ્થાનના અનેલા ગામથી દારૂ ભરીને તેઓ અમદાવાદ આવતા હતા. દહેગામ નર્મદા કેનાલ પાસે એક્ટિવા પર આવેલા શખ્સો પૈકી એક વ્યક્તિ રસ્તો બતાવવા કારમાં બેઠો હતો અને બાકીના પાઇલોટિંગ કરી રહ્યા હતા. પોલીસને જોઈને કારમાં સવાર અન્ય શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ ગુનામાં મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રવિણ નારાયણભાઇ ડામોર, દારૂ ભરાવી આપનાર અનિલ દાદુ ભરડા, જથ્થો સોંપનાર લોકેશ પટેલ, કારના માલિક અબ્દુલ વહાબ ખાન, પાઇલોટિંગ કરનાર એક્ટિવા સવાર તેમજ અમદાવાદમાં દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. અમદાવાદમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને અગાઉ કેટલી ફેરી થઈ છે તે અંગે તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...