હરેશ મુલચંદાનીને ઉદયપુરથી ઝડપી 2 વર્ષ માટે તડીપાર કરાયો

હરેશ મુલચંદાનીને ઉદયપુરથી ઝડપી 2 વર્ષ માટે તડીપાર કરાયો

સાબરમતી સેન્ટ્રલ જેલના વકીલ રૂમમાં એક આરોપી સાથેની મુલાકાત અંગેના વિવાદમાં સંડોવાયેલા હરેશ મુલચંદાનીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને, તેને તડીપાર કરવા માટે ઇ-ડિવિઝનના એસીપીને તપાસ સોંપવામાં આવી હતી. એસીપીના તપાસ રિપોર્ટના આધારે સરદારનગર પોલીસે તડીપાર કરવાની કાર્યવાહીના ભાગરૂપે હરેશ મુલચંદાનીની ઉદયપુરથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, હરેશ મુલચંદાની જામીનની શરતોનો ભંગ કરીને શ્રીલંકા પ્રીમિયર લીગમાં સટ્ટો રમવા પણ ગયો હતો, જે અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નાના ચિલોડા સ્થિત રીઝોઇસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં સંડોવાયેલા હરેશ મુલચંદાનીએ સાબરમતી સેન્ટ્રલ જેલના વકીલ રૂમમાં અન્ય એક કેદી સાથે ગેરકાયદે મુલાકાત કરીને વિવાદ ઊભો કર્યો હતો. આ ઘટના અને હરેશ મુલચંદાની વિરુદ્ધ નોંધાયેલા વિવિધ ગુનાઓને ધ્યાનમાં રાખીને તેને તડીપાર કરવા અંગે પોલીસ કમિશનરે ઇ-ડિવિઝન એસીપીને તપાસ સોંપી હતી. તપાસ રિપોર્ટના આધારે પોલીસ કમિશનરે તડીપારનો આદેશ આપતાં જ હરેશની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સરદારનગર પોલીસે તેને ઉદયપુરથી ઝડપી પાડીને 2 વર્ષ માટે તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેના હેઠળ તેના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એટલું જ નહીં, તેના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ પૈકી સરદારનગર પોલીસ સ્ટેશનના એક કેસમાં જ્યારે કોર્ટે તેને જામીન આપ્યા હતા, ત્યારે પાસપોર્ટ જમા કરાવવાની શરત મૂકી હતી. પરંતુ, આ શરતનો ભંગ કરીને તે શ્રીલંકા પ્રીમિયર લીગ માટે શ્રીલંકા પહોંચી ગયો હતો. આ ગંભીર બેદરકારી અને શરતભંગ અંગે પણ તપાસના આદેશ અપાયા છે.

આ ઉપરાંત, સાબરમતી સેન્ટ્રલ જેલના વકીલ રૂમમાં થઈને કેદીને મળવાની ઘટનામાં જેલના જવાબદાર અધિકારીઓ સામે પણ ઉચ્ચ સ્તરેથી ગંભીર નોંધ લેવામાં આવી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા સાથે જવાબદાર જેલ સ્ટાફ અને હરેશ મુલચંદાની વિરુદ્ધ ગુનો નોંધવા માટે સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, હરેશ મુલચંદાની રાષ્ટ્રીય બજરંગ દળના કુબેરનગર વિસ્તારના ઉપાધ્યક્ષ તરીકે પસંદ થયો હતો, જેથી તે આ સંગઠનના નામે પણ લોકોને ધમકાવીને પરેશાન કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...