પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ્યા : તંત્રની ઘોર બેદરકારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ચૂંટણી તંત્રની ગંભીર અણઆવડત સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઈવીએમ વિતરણની કામગીરી દરમિયાન પાયાની સુવિધાના અભાવે કર્મચારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.

એકતરફ સમગ્ર ગુજરાતમાં આકરો ઉનાળો છે અને આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે સાયલામાં કોઈ મોટા હોલ કે પાકા મકાનને બદલે ખુલ્લામાં માત્ર કાપડના મંડપ બાંધીને ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરાયું હતું. જેના કારણે ફરજ પરના કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અધૂરામાં પૂરું, વ્યવસ્થાના નામે મીંડું હોય તેમ ગરમીમાં પીવાના પાણીના જગ ખાલી થઈ ગયા હતા. મહિલા કર્મચારીઓ સહિતના પ્રિસાઇડિંગ ઓફિસરો તરસ છીપાવવા પાણીના જગ પાસે વારંવાર આંટા મારતા જોવા મળ્યા હતા, પરંતુ પાણી ન મળતા અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી જેવી મહત્ત્વની કામગીરીમાં જ્યારે હજારો કર્મચારીઓ જોડાયા હોય, ત્યારે તંત્ર દ્વારા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી ન પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. ભારે ગરમીમાં પાણી વિના ટળવળતા કર્મચારીઓમાં તંત્રની આ લાપરવાહીને લઈ પસ્તાળ પડી રહી છે. હાલ તો સોશિયલ મીડિયામાં પણ આ વ્યવસ્થાના વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...