ગુજરાતમાં ૯૨૩૬ બેઠકોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શહેરી નાગરિકોના જોરે ફરી એક વખત પોતાનું સિંહાસન જાળવી રાખ્યું છે. ભાજપે તમામ ૧૫ મહાનગરપાલિકા, ૮૪માંથી ૭૮ નગરપાલિકા, ૨૬૦માંથી ૨૫૩ તાલુકા પંચાયત, ૩૪માંથી ૩૩ જિલ્લા પંચાયતમાં વિજય મેળવ્યો છે. બીજીબાજુ કોંગ્રેસે દાયકાઓથી પરાજયની પરંપરા જાળવી રાખતા શવાસનની સ્થિતિ જાળવી રાખી છે. ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક અસંતોષ, નબળી કામગીરી મામલે નાગરિકોમાં રોષનો કોંગ્રેસ થોડો પણ ફાયદો ઉઠાવી શકી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ આંશિક લાભ મેળવ્યો છે. સુરત મનપામાં આ વખતે ‘આપ’ના સુપડા સાફ થઈ ગયા છે પરંતુ અમરેલીની બગસરા તાલુકા પંચાયતમાં ‘આપ’ એ સત્તા મેળવીને પ્રથમવાર પંચાયત સ્તરે પોતાની હાજરી નોંધાવી છે. નાગરિકોના આશ્વાસનથી આ ચૂંટણીમાં ‘આપ’ની બેઠકોમાં વધારો થયો છે.
મહાનગરપાલિકામાં કુલ ૧૦૪૪ બેઠકમાંથી ભાજપે ૯૦૦થી વધુ, તાલુકા પંચાયતમાં ૫૨૩૪ બેઠકમાંથી ૩૭૦૦થી વધુ, જિલ્લા પંચાયતમાં ૧૦૯૦ બેઠકમાંથી ૯૦૦થી વધુ જ્યારે જ્યારે ૨૬૨૪ નગરપાલિકા બેઠકમાંથી બે હજારથી વધુમાં વિજય મેળવ્યો હતો. છેલ્લે વર્ષ ૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાંથી એઆઇએમઆઇએમ, સુરત મહાનગરપાલિકામાંથી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસનું ગણિત ખોરવવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે આ બંને મહાનગરપાલિકામાં આપ અને એઆઇએમઆઇએમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ વર્ષ ૨૦૨૧ની સરખામણીએ ૧ બેઠક સુરતમાં વર્ષ ૨૦૨૧માં ૯૩ની સરખામણીએ ૧૧૫ જેટલી બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી હતી. વડોદરામાં પણ ભાજપ ગયા વર્ષની સરખામણીએ ૧ વધુ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. મોરબી, પોરબંદરની મહાનગરપાલિકા બેઠકમાં ભાજપે તમામે તમામ બેઠક જીતી લેતાં વિરોધ પક્ષ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઇ છે.
આવીજ સ્થિતિ બનાસકાંઠાના ભાભર પાલિકમાં થઇ છે. જ્યાં ભાજપે તમામ ૨૨ બેઠક જીતી લેતા વિપક્ષનું નામશેષ થઇ ગયું છે. ખેડા અને કુતિયાણામાં માં સમાજવાદી પાર્ટીની સરપ્રાઇઝ એન્ટ્રી થઇ હતી. કડીમાં એવી ઘટના બની હતી કે ૨૨ ઉમેદવારો બિનહરીફ થયા હતા અને ૮ બેઠક માટે ચૂંટણી થઇ હતી. આ તમામ ૮ બેઠક કોંગ્રેસને ફાળે જતાં ભાજપની બિનહરીફ જીતવાની મજા ઉપર પાણી ફરી વળ્યું હતું.
