અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે 1.17 કરોડ રૂપિયાની કિંમતનું 234 ગ્રામ કોકેઈન જપ્ત કરીને રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે. નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરી હતી અને આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નરોડા પોલીસની ટીમને વિસ્તારમાં ગેરકાયદે માદક પદાર્થોની હેરફેર અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નરોડા GIDC નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક યુવકની અટકાયત કરી તેની તલાશી લેતાં તેની પાસેથી 234 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત 1.17 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીની ઓળખ હરેશ સૈન તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસના જણાવ્યાનુસાર, આરોપી ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે ડ્રગ્સનો આ કિંમતી જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હતો. નરોડા GIDC નજીક તે કોઈ સ્થાનિક વ્યક્તિને આ માલની ડિલિવરી આપે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
આ ઘટના બાદ પોલીસે સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને સપ્લાય ચેઈનનો પર્દાફાશ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું (રિસીવર કોણ હતું) તે દિશામાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
