બાળકોને દૂધવાળી ચા પીવડાવતા હોય તો સાવધાન, નિષ્ણાંત ડૉક્ટરે જણાવ્યા નુકસાન

બાળકોને દૂધવાળી ચા પીવડાવતા હોય તો સાવધાન, નિષ્ણાંત ડૉક્ટરે જણાવ્યા નુકસાન

ઘણા ઘરોમાં સવાર-સાંજ ચા બનવી સામાન્ય બાબત છે. આવા સમયે નાના બાળકો પણ ઘરમાં વડીલોને ચા પીતાં જોઈને ચા પીવાની જિદ્દ કરવા લાગે છે. કેટલાક વાલીઓ એવું વિચારીને બાળકોને ચા આપી દે છે કે થોડીક ચા પીવાથી કે વધુ દૂધવાળી ચા આપવાથી શું ફરક પડશે! પરંતુ નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા મુજબ, થોડીક ચા પણ ધીમે-ધીમે બાળકની આદત બની શકે છે અને તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ચા પીવાનો કોઈ પણ ઉંમરે ખાસ ફાયદો નથી હોતો અને ખાસ કરીને નાના બાળકોને તેનાથી દૂર જ રાખવા જોઈએ. વાલીઓ ઘણીવાર થોડીક ચા આપવાનું સામાન્ય ગણે છે, પરંતુ બાળકમાં જો ચા પીવાની આદત પડી જાય તો તે તેની રોજિંદી ટેવ બની જાય છે. તેથી નાની ઉંમરથી જ બાળકને ચાથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

 ડૉક્ટરના કહેવા મુજબ, ચામાં એવા તત્ત્વો હોય છે જે શરીરમાં લોહી બનવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. આનાથી બાળકમાં આયર્નની ઉણપ(એનિમિયા) થઈ શકે છે. શરીરમાં આયર્ન ઓછું થવાથી બાળકને થાક લાગવો, ચક્કર આવવા, નખ નબળા પડીને તૂટી જવા અને વાળ ખરવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ચામાં કેફીન નામનું તત્ત્વ હોય છે. ડૉક્ટર જણાવે છે કે ચા પીધા પછી બાળકને ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે અથવા બાળક સામાન્ય કરતાં વધુ અસ્વસ્થ રહે છે. બાળકોના યોગ્ય વિકાસ માટે પૂરી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેફીનના કારણે બાળક અભ્યાસ કે અન્ય કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ અસમર્થ બની શકે છે.

ઘણા વાલીઓ એવું માને છે કે જો બાળકને વધુ દૂધવાળી ચા આપવામાં આવે તો તેને દૂધનું પોષણ મળી જશે. પરંતુ ડૉક્ટરના મતે, દૂધવાળી ચા પીવાથી બાળકનું પેટ ભરાઈ જાય છે પણ તેને જરૂરી પોષક તત્ત્વો મળતાં નથી. તેથી ચાથી બાળકનું પેટ ભરવા દેવાને બદલે તેના પૌષ્ટિક ખોરાક પર ધ્યાન આપવું જરૂરી છે.

કેટલાક વાલીઓ સામાન્ય ચાના બદલે બાળકને ગ્રીન ટી આપવાનું વિચારતા હોય છે. પરંતુ ડૉક્ટરના મતે, ગ્રીન ટી પણ નાના બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માત્ર ચાનો પ્રકાર બદલી દેવાથી જોખમ ઘટતું નથી, તેથી ગ્રીન ટીને પણ વિકલ્પ ન બનાવવી જોઈએ.

ડૉક્ટર ખાસ કરીને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને ચા બિલકુલ ન આપવાની સલાહ આપે છે. જો બાળક વડીલોને જોઈને ચા માંગે, તો તેને પ્રેમથી સમજાવવું જોઈએ અને ચા આપવાનું ટાળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...