દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનોની આગમાં સપડાયું છે. સરકારના ખોટા વાયદા અને વચનોએ જ આંદોલનના વેગને હવા આપી હોય તેવો માહોલ સર્જાયો છે. વ્યાયામ શિક્ષકો, એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને ટાટ (TAT)ના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડતા આંદોલનો છાવણી ઉભરાઈ ગઈ હતી. એકસાથે ત્રણ મોટા આંદોલનો વેગવાન બનતા રાજ્ય સરકારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.
ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓએ પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. પગાર વિસંગતતા, ઇન્ક્રીમેન્ટ અને અન્ય પડતર માંગણીઓને લઈને આ કર્મચારીઓ ‘માસ સીએલ’ (સામૂહિક રજા) પર ઉતરી ગયા છે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો આગામી ‘વિશ્વ એઇડ્સ દિવસ’ના સરકારી કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ સામે ટાટના ઉમેદવારોએ પણ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. પરીક્ષામાં કુલ 47 હજાર પૈકી 30 હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરિણામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પરિણામમાં ક્ષતિ હોવાની આશંકા સાથે પુનઃમૂલ્યાંકનની ઉગ્ર માંગ લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
