પુણ્ય કમાવા ગયેલા લોકોએ ‘માવા’ના કાગળોથી જંગલ દૂષિત કર્યું

જૂનાગઢની લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, પરંતુ યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાએ ગિરનારના જંગલને પ્રદૂષિત કર્યું છે. વનવિભાગે પ્રવેશદ્વારો પર કડક ચેકિંગ અને પ્લાસ્ટિક રોકવાના પ્રયાસો કર્યા હોવા છતાં 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર સૌથી વધુ કચરો તમાકુના ‘માવા’ના પ્લાસ્ટિકના કાગળોનો જોવા મળ્યો છે. હવે વનવિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આગામી 8 દિવસ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

ગિરનારના જંગલને પ્લાસ્ટિકમુક્ત રાખવા આ વર્ષે વનવિભાગે પરિક્રમાના પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિવિધ એનજીઓ દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈને તેના બદલે વિનામૂલ્યે ઈકો-ફ્રેન્ડલી કાપડની બેગ પણ આપવામાં આવી હતી. આ પ્રયાસોને કારણે ગત વર્ષની સરખામણીએ મોટા પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સૌથી વધુ પ્રદૂષણ તમાકુના માવાના પ્લાસ્ટિકના કાગળોથી ફેલાયું છે. કદમાં નાના હોવાથી ચેકિંગ દરમિયાન નજર ચૂકવીને લઈ જવાયેલા આ પ્લાસ્ટિકના કાગળો જંગલમાં ઠેરઠેર જોવા મળ્યા છે.

 ગિરનારના જંગલમાં સિંહ, દીપડા અને અન્ય તૃણાહારી પ્રાણીઓ વિચરણ કરે છે. તેમના વિસ્તારમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કાગળો વન્યજીવોના સ્વાસ્થ્ય અને જીવ માટે જોખમી બની શકે છે. વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓના પ્રયાસો છતાં યાત્રિકોની બેદરકારીને કારણે જંગલમાં પ્રદૂષણ ફેલાયું છે.

પરિક્રમા પૂર્ણ થયા બાદ વનવિભાગનો સ્ટાફ, પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. સતત 8 દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં જંગલના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો, ખાસ કરીને માવાના પ્લાસ્ટિકના કાગળો એકત્ર કરવામાં આવશે. પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે યાત્રિકોમાં સ્વયંશિસ્ત અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના નહીં આવે ત્યાં સુધી ગિરનારના જંગલને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત રાખવું મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *