બસ ભડભડ કરતી સળગી, કાંચ તોડી બહાર નીકળી યાત્રીઓએ જીવ બચાવ્યા

બસ ભડભડ કરતી સળગી, કાંચ તોડી બહાર નીકળી યાત્રીઓએ જીવ બચાવ્યા

સુરતથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહેલી એક ખાનગી મુસાફર બસમાં મધ્ય પ્રદેશના સરદારપુર નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો જોઈને ચાલકે બસ રસ્તા પર ઊભી રાખી દીધી હતી અને પોતે સ્થળ પરથી ભાગી ગયો હતો. ધુમાડા અને આગના કારણે બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્ય પ્રદેશના સરદારપુર નગર સ્થિત ભોપાવર ચોકી નજીક મોડી રાત્રે બની હતી. આ બસ સુરતથી મુસાફરોને લઈને કાનપુર તરફ જઈ રહી હતી. આગ લાગતા જ કેટલાક મુસાફરો દરવાજેથી બહાર દોડી ગયા હતા, જ્યારે અન્ય મુસાફરોએ બારીના કાચ તોડીને બહાર કૂદી પોતાની જાન બચાવી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે મોટાભાગના મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

મુસાફરોના જણાવ્યાનુસાર, ગુજરાતના દાહોદ પાસે એક હોટેલ પર બસને આશરે ચાર કલાક સુધી રોકીને તેમાં કંઈક ટેકનિકલ કામ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ આગળ રવાના થઈ હતી. કાનપુરના નિવાસી નીલમ પાલે જણાવ્યું કે તેઓ તેમના 8 વર્ષના પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. અચાનક બસમાં ધુમાડો ભરાઈ જતાં તેમણે પહેલા બારીમાંથી પુત્રને બહાર ફેંક્યો અને બાદમાં પોતે બહાર નીકળી જાન બચાવી હતી.

ઘટનાની જાણ થતાં જ સરદારપુર એસડીઓપી (SDOP) વિશ્વદીપ સિંહ પરિહાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગની ઘટના જોઈને માર્ગનો એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી બીજી તરફથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ બસ મોટાભાગે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસ દ્વારા ઈન્દોર તરફ જતી અન્ય મુસાફર બસોમાં મુસાફરોને બેસાડી આગળ રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...