GPCB અને સ્થાનિક ઉદ્યોગોના સહયોગથી તીર્થધામોમાં કલર કોડેડ ડસ્ટબીન મુકાયા; સપ્તર્ષિ નદીના પટમાંથી ૧૦ ટ્રેક્ટર કચરો દૂર કરાયો
શ્રદ્ધા સાથે સ્વચ્છતા: સાબરકાંઠાના પવિત્ર ધામોમાં કાપડની થેલીઓનું વિતરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનવા ભાવિકોને અપાઈ સમજણ
હિંમતનગર:1 સપ્ટેમ્બર, 2026
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), હિંમતનગર દ્વારા “સ્વચ્છ તીર્થસ્થાન – પવિત્ર ગુજરાત અભિયાન” અંતર્ગત ગત ૩૧ ઓગસ્ટના રોજ સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ ભોલેશ્વર તીર્થ તથા સપ્તેશ્વર તીર્થસ્થાન ખાતે વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ઉદ્યોગગૃહો અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણના જતનનો સંદેશ વહેતો કરવાનો હતો. આ અભિયાન દ્વારા દર્શનાર્થે આવતા હજારો ભાવિકોને “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્રને સાર્થક કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
તીર્થસ્થાનોમાં કચરાનું સ્ત્રોત પરથી જ યોગ્ય વિભાજન થાય તે હેતુથી GPCB દ્વારા સ્થાનિક ઉદ્યોગોના સહયોગથી મંદિર પરિસરમાં કલર કોડેડ ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા અંતર્ગત લીલા રંગના ડસ્ટબીનમાં ભીનો તથા જૈવિક રીતે વિઘટન પામતો કચરો અને ભૂરા રંગના ડસ્ટબીનમાં સૂકો તથા પુનઃપ્રક્રિયા (રિસાયકલ) કરી શકાય તેવો કચરો નાખવા અંગે ભાવિકોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ચુસ્ત પાલન થાય અને પવિત્ર સ્થળો પર કચરાના ઢગલા ન થાય તે માટે આ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ઇસ્કોન બાલાજીની સ્વચ્છતા ટીમ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નદીના પટમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શ્રમદાન દરમિયાન નદીના પટમાંથી અંદાજે ૮ થી ૧૦ ટ્રેક્ટરો જેટલી ધાર્મિક મૂર્તિઓ અને નિર્માલ્ય એકત્રિત કરી તેનો શાસ્ત્રોક્ત અને પર્યાવરણની દ્રષ્ટિએ સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા નદીની પવિત્રતા જાળવવા અને જળ પ્રદૂષણ રોકવા અંગે સ્થાનિકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપવા માટે દર્શનાર્થીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરના વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં GPCBના અધિકારીઓ, મંદિર ટ્રસ્ટના સભ્યો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ એ માત્ર તંત્રની નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે તેવા સંકલ્પ સાથે આ અભિયાનને જિલ્લામાં વધુ વ્યાપક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
