કલાકારોના હૃદયમાં પણ એક સંવેદનશીલ દિલ ધબકતું હોય છે, જે તેના પરિવારજનો સાથે ન વિતાવેલા દિવસો અંગે વિચારીને રડી પડે છે, તેનું ઉમદા ઉદાહરણ તાજેતરમાં જ આમિર ખાને આપ્યું છે, જે અંગે જાણીને તેમના પ્રશંસકોના આંખોમાં પણ આસું આવી જાય છે.હજુ થોડા દિવસ પહેલાં જ સિંગાપોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમિર ખાનને સ્ક્રીન આઇકોન એવોર્ડ હોંગકોંગના જાણીતા ફિલ્મ-દિગ્દર્શક પીટર ચેન હો-સુનના હસ્તે એનાયત કરાયો. આ ફેસ્ટિવલમાં આમિર ખાનને તેમના જીવન અને સિનેમાની સફર વિશે વાત કરતી વખતે આમિર ખાન કારકિર્દીના સૌથી નબળા તબક્કાને યાદ કરતાં મંચ પર જ આંસુ સારવા લાગ્યો હતો. તેણે અત્યંત ભારે હૈયે કબૂલાત કરી હતી કે મેં ત્રણ દાયકા સુધી સતત કામ કરવાના જનૂનમાં પોતાના પરિવાર સાથેનો અમૂલ્ય સમય ગુમાવી દીધો છે. આ અંગે વધુમાં જણાવતાં આમિર ખાને કહ્યું હતું કે ‘જ્યારે કોવિડના સમયકાળમાં હું સાવ નવરો બેઠો વિચારી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે મારી જિંદગીના ત્રીસ વર્ષ તો સતત કામમાં વિતી ગયા છે. તમે જે કામ કરી રહ્યા છો તેની પાછળ એક વર્ષ બે વર્ષ કે પછી પાંચ વર્ષ સુધી સંપૂર્ણપણે રત બનીને અવિરત કામ કર્યા કરો છો, પરંતુ જો આ અવિરત કામગીરી ૩૦ વર્ષ સુધી સતત ચાલતી રહે છે તો હવે પછી તમે તો તમારા પારિવારિક સંબંધોની મીઠાશ તો ગુમાવી બેસો છો.
તમારા બાળકો પણ મોટા થઈ ગયા હોય છે, તેની તમને ખબર પણ નથી પડતી. આ વાતનો જ મને અંદરથી ઊંડો આઘાત અને અફસોસ થયો હતો.’ મંચ પર આટલું બોલતા બોલતા તો આમિર ખાન અત્યંત ભાવુક બની ગયો હતો અને તેની આંખોમાંથી પાણી પણ આવવા લાગ્યા હતા. આ પછી તેણે દર્શકોની માફી માગી ત્યારે દર્શકોએ તેને પ્રોત્સાહિત કર્યો હતો. ચહેરા પરના આંસુ લૂંછતા આમિરે જણાવ્યું, આ અનુભૂતિએ તેના જીવનમાં મોટો ફેરફાર લાવવા પ્રેરિત કર્યો. છેલ્લા ચાર વર્ષથી તે પોતાના પરિવાર અને નિકટના મિત્રો સાથે ચોક્કસપણે સમય ફાળવી રહ્યો છે. આમિરે કહ્યું હતું કે મને એ વાતનો સંતોષ છે કે આ વિચાર મને ૫૬ વર્ષની વયે આવ્યો, ૮૬ વર્ષની વયે નહીં, કેમ કે ત્યારે તો કંઈ પણ સુધારવા માટે ઘણું મોડું થઈ ચુક્યું હોત, એમ આમિરે ઉમેર્યું હતું.
