આસ્થા કે પછી નફો રળવાની નવી ફોર્મ્યુલા?

રૂપેરી પડદા પર એક સમયે જ્યાં ચમકદમક, વિદેશી લોકેશન્સ, અલ્ટ્રા-ગ્લેમેરસ પાત્રો અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જોવા મળતું હતું, જેમાં લગભગ દરેક ખલનાયક તિલકધારી, જનેઉધારી જોવા મળતો, ત્યાં આજે અચાનક અગરબત્તીની સુગંધ, શંખનાદ અને હર હર મહાદેવ કે જય શ્રીરામના ગગનભેદી નારા ગૂંજી રહ્યા છે. સિનેમાઘરો હવે માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી રહ્યા, પણ ભક્તો માટે જાણે હંગામી પૂજાસ્થળ બની ગયા છે. દર્શકો થિયેટરના દરવાજે પગરખાં ઉતારીની અંદર પ્રવેશી રહ્યા છે, સ્ક્રીન સામે હાથ જોડીને બેસી રહ્યા છે અને ભાવુક થઈને અશ્રુભીની આંખે બહાર નીકળી રહ્યા છે. આ દ્રશ્ય ભારતીય સિનેમાના એક નવા અને આશ્ચર્યજનક યુગની ગવાહી આપે છે. જે બોલીવૂડ વર્ષો સુધી પૌરાણિક અને ધાર્મિક વિષયોથી અંતર જાળવી રાખતું હતું, તે જ બોલીવૂડ આજે નફો કમાવવા માટે આસ્થાના શરણે પહોંચી ગયું છે.

સુવર્ણ ભૂતકાળઃ ‘જય સંતોષી મા’ થી ‘શિરડી કે સાઈ બાબા’સિનેમા અને ભક્તિનો સંબંધ ભારતમાં કોઈ નવો નથી. આ સંબંધ દેશની સંસ્કૃતિ જેટલો જ ઊંડો છે. વર્ષ ૧૯૭૫માં જ્યારે સિનેમાઘરોમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની એક્શન પેક્ડ મહાકાય ફિલ્મ ‘શોલે’ દર્શકોને ઘેલુ લગાડી રહી હતી, ત્યારે જ અત્યંત સામાન્ય બજેટમાં બનેલી લો-પ્રોફાઈલ ફિલ્મ ‘જય સંતોષી મા’ રિલીઝ થઈ હતી. ચમત્કારિક રીતે, તે ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવીને શોલેને જોરદાર ટક્કર આપી હતી. દેશના ગામડાઓ અને નાના શહેરોમાંથી લોકો બળદગાડા જોડીને ફિલ્મ જોવા ઊમટયા હતા. થિયેટરના પડદા પર નાળિયેર વધેરાતા અને સિક્કાઓનો વરસાદ થતો.
તે પછી મનોજકુમારની ‘શિરડી કે સાઈ બાબા’ ફિલ્મ આવી, જેણે આખા દેશને સાઈ ભક્તિમાં લીન કરી દીધો હતો. આ ફિલ્મો માત્ર સિનેમા નહોતી, લોકજીવનની આસ્થાનું પ્રતિબિંબ હતી. પરંતુ એ સુવર્ણ યુગ પછીના દાયકાઓમાં બોલીવૂડ પશ્ચિમી રંગે રંગાયું. પટકથાઓમાંથી દેશી ભાવના ગાયબ થઈ ગઈ અને ગેન્ગસ્ટરોને બિરદાવતી વાર્તાઓ લખાવવા લાગી. ધાર્મિક કે આધ્યાત્મિક વાર્તાઓને ઓલ્ડ ફેશન માનીને હાંસિયામાં ધકેલી દેવામાં આવી.

‘કાંતારા’ અને દર્શકોની ભૂખનું પુનરાગમનસમયનું ચક્ર ફર્યું અને દર્શકો પશ્ચિમી નકલથી કંટાળ્યા. ગેન્ગસ્ટરોને હીરો બનાવતી ફિલ્મોથી પણ લોકો દૂર થવા લાગ્યા. એવા સમયે રિષભ શેટ્ટીની કન્નડ ફિલ્મ ‘કાંતારા’એ આખા દેશને પોતાની સ્થાનિક સંસ્કૃતિ, દેવ-પરંપરા અને લોકમાન્યતાઓની તાકાતનો અહેસાસ કરાવ્યો. ‘કાંતારા’ની અસાધારણ સફળતાએ સાબિત કર્યું કે આજના અત્યાધુનિક ડિજિટલ યુગમાં પણ જો મૂળિયા સાથે જોડોયલી વાર્તા પ્રમાણિકતાથી પીરસવામાં આવે, તો પ્રેક્ષકો તેને માથે બેસાડે છે. દર્શકો હવે કૃત્રિમ લાગણીઓથી દૂર થઈને પોતાની પરંપરા, ધર્મ અને આધ્યાત્મિક ગહનતા સાથે જોડાવા આતુર હતા.

‘હનુમાન અંશ’ઃ બોક્સ ઓફિસ પર રચાયેલો નવો ઈતિહાસ આ ભૂખનું તાજું અને સૌથી જીવંત ઉદાહરણ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ છે. ૭ ઓગસ્ટે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી ત્યારે ભાગ્યે જ કોઈને તેના વિશે જાણકારી હતી. પ્રથમ સપ્તાહમાં માત્ર નેવું લાખ રૂપિયાનું કલેક્શન અને બીજા અઠવાડિયે માંડ ૨૭ સ્ક્રીન બાકી રહ્યા હતા. સામાન્ય રીતે આવા સંજોગોમાં કોઈપણ ફિલ્મ દબાઈને ઉતરી જાય. પણ દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી અને મુખ્ય અભિનેતા શોભિનવ સત્યાએ હાર ન માની. બંને કલાકારો ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના સિનેમાઘરોમાં પહોંચ્યા, છેલ્લા થોડા દર્શકોને રૂબરૂ મળ્યા અને મૌખિક પ્રચાર કરવા વિનંતી કરી.
ત્યાર પછી જે ચમત્કાર થયો તે બોલીવૂડના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ત્રીજા અઠવાડિયામાં કમાણી સીધી દસ કરોડને પાર પહોંચી ગઈ. માત્ર સત્તર કરોડના મામૂલી બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં દોઢસો કરોડથી વધુ ચોખ્ખો અને વિશ્વભરમાં ચારસો કરોડથી વધુ ગ્રોસ વકરો કરીને ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોને સ્તબ્ધ કરી દીધા.
રસપ્રદ બાબત છે કે દર્શકો આ ફિલ્મને માત્ર ચમત્કારના કારણે નહિ, પણ તેના સાત્વિક અને માનવીય અભિગમના મુદ્દે વધાવી રહ્યા છે. અનેક શિક્ષિત યુવાનો આ ફિલ્મને વારંવાર જોઈ રહ્યા છે, કારણ કે તેમાં બાબા કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, પરંતુ બીમારી પર ડોક્ટર પાસે જવાની વ્યવહારુ સલાહ આપે છે. આ સરળતા અને સત્યતાએ લોકોની આંખોમાં આંસુ લાવી દીધા. દર્શકો પગરખા બહાર કાઢીને થિયેટરમાં બેસે છે, જે દર્શાવે છે કે આ માત્ર ફિલ્મ નથી રહી, પણ પૂજા બની ગઈ છે.
ભક્તિનો પ્રવાહઃ ‘મહાઅવતાર નરસિંહા’થી ‘કૃષ્ણાવતારમ’ સુધી
આ ટ્રેન્ડ કોઈ એકલદોકલ ઘટના નથી. વર્ષ ૨૦૨૪માં પૌરાણિક એનિમેશન ફિલ્મ ‘મહાઅવતાર નરસિંહા’એ લગભગ ૨૫૦ કરોડ રૂપિયાની જંગી કમાણી કરીને સાબિત કર્યું કે ભક્તિ દરેક વયજૂથને આકર્ષે છે.
તેના પછી આવેલી ‘કૃષ્ણાવતારમ ભાગ ૧ઃ ધી હાર્ટ’એ ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ ચાલીસ કરોડ રૂપિયાની કમાણી કરી અને દર્શકોમાં આગામી ભાગો માટે જોરદાર ઉત્સુકતા જગાડી દીધી. આ સમગ્ર કૃષ્ણાવતારમ ટ્રાયોલોજી ભગવાન શ્રીકૃષ્ણના જીવન, દર્શન અને માનવ સંબંધોને ગહન દ્રષ્ટિકોણથી રજૂ કરવા જઈ રહી છે, જેનો બીજો ભાગ ૨૦૨૭માં આવવાની તૈયારીમાં છે. વિશાલ ચતુર્વેદીએ પણ ‘હનુમાન અંશ’ની ભવ્ય સફળતા બાદ મહાકવિ ગોસ્વામી તુલસીદાસના જીવન પર આધારીત પોતાની નવી ફિલ્મ ‘રામબોલા’ની જાહેરાત કરી દીધી છે.
ભવિષ્યની તૈયારીઃ
‘રામાયણ-૨’ અને ‘મહાકાલી’
આ લહેર હવે અટકવાની નથી. ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ ગણાતી નિતેશ તિવારીની ‘રામાયણ’ની સિક્વલ પાઈપલાઈનમાં છે. દેશના ટોચના કલાકારો પ્રભુ શ્રીરામની કથાને આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝ્યુઅલ્સ સાથે રજૂ કર્યા છે.
તેવી જ રીતે મા શક્તિના પ્રચંડ સ્વરૂપ પર આધારીત ભવ્ય ફિલ્મ ‘મહાકાલી’ આવતા વર્ષે ૮ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતાઓ હવે સમજી ચૂક્યા છે કે હિન્દુ દેવી-દેવતાઓની પૌરાણિક કથાઓ માત્ર ધાર્મિક પ્રવચન નથી, પણ તેમાં અદ્ભુત નાટય તત્વ, જીવનના મૂલ્યો, ફિલસૂફી અને વિઝ્યુઅલ વૈભવ છુપાયેલો છે જે હોલીવૂડના કોઈપણ કાલ્પનિક સુપરહીરો કરતા હજાર ગણો વધુ શક્તિશાળી છે.
શુદ્ધ આસ્થા કે માત્ર દૂધાળી ગાય?
જો કે આ સિક્કાની બીજી બાજુ પણ વિચારવા જેવી છે. શું બોલીવૂડનું ખરેખર હૃદયપરિવર્તન થયું છે, કે પછી આ માત્ર બોક્સ ઓફિસ પરથી પૈસા ખંખેરવાની નવી યુક્તિ છે? જ્યારે કોઈ પણ ફોર્મ્યુલા હિટ થાય છે, ત્યારે ઈન્ડસ્ટ્રી તેના પર તૂટી પડે છે. અગાઉ દેશભક્તિની ફિલ્મોની વણઝાર થઈ હતી, હવે વારો આધ્યાત્મિકતાનો છે.
જો નિર્માતાઓ માત્ર નફા ખાતર અધકચરી માહિતી, નબળા વીએફએક્સ અને સસ્તી લાગણીઓ પીરસશે, તો સમજુ દર્શકો તેને નકારતા અચકાશે નહિ. દર્શકોને વાર્તામાં પવિત્રતા, સાચો આદર અને પ્રમાણિકતા જોઈએ છે – જે ‘હનુમાન અંશ’ કે ‘કાંતારા’માં જોવા મળી.
ગમે તે હોય, એક વાત તો સ્પષ્ટ છે કે રૂપેરી પડદે ધર્મ અને આધ્યાત્મિકતાનું પુનરાગમન થઈ ચૂક્યું છે. પચાસ વર્ષ અગાઉ જે ચમત્કાર ‘જય સંતોષી મા’એ કર્યો હતો, આજે ડિજિટલ યુગમાં ‘હનુમાન અંશ’ અને ‘કૃષ્ણાવતારમ’ જેવી ફિલ્મો કરી રહી છે. બોલીવૂડ હવે સમજી ગયું છે કે બોક્સ ઓફિસનું તાળું માત્ર ગ્લેમરથી નહિ, પણ ભારતીય જનમાનસની આસ્થા અને શ્રદ્ધાની ચાવીથી પણ ખોલી શકાય છે. દર્શકો ફરી એકવાર થિયેટરોને પવિત્ર મંચ બનાવીને હૃદયપૂર્વક બોલી રહ્યા છેઃ ‘પ્રભુ તાલી લીલા અપરંપાર!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *