લગભગ દિવાળીથી થોડા સમય પહેલા આવતો વિદેશીઓનો વહાલો ‘હેલોવીન’ ઉત્સવ હવે ભારતીયોમાં પણ ખાસ્સો લોકપ્રિય થઈ રહ્યો છે. ભૂત, પ્રેત, ખોપડી, ડરામણી વેશભૂષા, ડરામણું ડેકોરેશન, હોરર ફિલ્મોની યાદ અપાવતી પાર્ટી થીમ હવે દેશી લોકોમાં પણ પ્રિય થઈ રહી છે ત્યારે કેનેડામાં ઉછરીને મોટી થયેલી ભારતીય મૂળની અભિનેત્રી સની લીઓનીને હેલોવીન ઉત્સવ આકર્ષે તે સ્વાભાવિક છે.
તાજેતરમાં આવેલા હેલોવીન દિવસે સની લીઓનીએ પોતાના નિવાસ સ્થાને હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું. (અહીં એ વાતની નોંધ લેવી રહી કે ‘હૈલોઝ’ એટલે પવિત્ર વ્યક્તિ અથવા સંત અને ‘ઈવ’ એટલે પર્વ પૂર્વેની રાત. અને પહેલી નવેમ્બરે ઈસાઈ ધર્મમાં ‘ઓલ સેંટ્સ ડે’ ઉજવવામાં આવે છે. સેલ્ટિક લોકો માને છે કે ૩૧ ઓક્ટોબરની રાત્રે મૃતાત્માઓ અને જીવંત લોકો વચ્ચેનું અંતર ઘટી જાય છે. અને દુષ્ટ આત્માઓથી બચવા લોકો આ દિવસે ડરામણી વેશભૂષા ધારણ કરે છે અને અગ્નિ પ્રગટાવે છે.) જોકે આપણા દેશના શહેરોમાં પાર્ટીપ્રેમીઓ સમયથી પહેલા જ હેલોવીન ઈવેન્ટ્સનું આયોજન કરવા લાગે છે. સની લીઓનીએ પણ આ રીતે જ પોતાના ઘરે હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ ઉત્સવની ઉજવણી માટે તેણે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેણે અને તેના પતિએ હેલોવીનના ડેકોરેશન માટેની ઘણી વસ્તુઓ વિદેશથી અને કેટલીક ઓનલાઈન મગાવી હતી. તેણે પોતાના ઘરમાં એક ભૂલભૂલૈયા, ડરામણા કસાઈખાના ઇત્યાદિ બનાવીને પરફેક્ટ હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું. તે સ્વયં ચિત્રવિચિત્ર અવાજો સાથે મહેમાનોનું સ્વાગત કરતી હતી, તેમને ભૂલભૂલૈયામાંથી પસાર થવાનું કહેતી હતી અને તેનો પતિ ડેનિયલ વેબર વેમ્પાયર અવતારમાં કોફીનમાંથી બહાર આવતો હતો. સનીએ આ ડેકોરેશનમાં પોતાના સંતાનોનો સાથ પણ લીધો હતો.
અભિનેત્રીએ વાસ્તવમાં પોતાના બાળપણને સંભારીને ભયાવહ દેખાતું ડેકોરેશન કર્યું હતું. તેણે કહ્યું હતું કે મુંબઈમાં વિદેશ જેવી હેલોવીન પાર્ટીઓનું આયોજન નથી થતું. અને મને એવી હેલોવીન પાર્ટીની ખોટ સાલતી હતી, જેવી પાર્ટીઓમાં જઈને હું ઉછરી છું. વળી હું મારા સંતાનોને પણ એવી જ યાદગાર પાર્ટીનો અનુભવ કરાવવા માગતી હતી. હું નાની હતી તે વખતે હું અને અન્ય બાળકો ઓશિકાની ખોળમાં વધુમાં વધુ કેન્ડી ભેગી કરવાના પ્રયાસો કરતાં. હું મારા સંતાનોને પણ આવી યાદો આપવા માગતી હતી. હું ઇચ્છતી હતી કે તેઓ મોટા થઈને તેમની બાળપણની હેલોવીન પાર્ટીઓ સંભારીને ડરે નહીં, બલ્કે રાજી થાય. મહત્વની વાત એ છે કે મારા પુત્ર નોહને હોર ફિલ્મો ગમે છે. તેથી તેણે હેલોવીન પાર્ટીના આયોજન અને પાર્ટીને પણ મનભરીને માણી હતી.સની માને છે કે હેલોવીન એટલે કોઈક અલગ કિરદારમાં પ્રવેશવું, પોતાની કોઈક નોખી ઓળખ ઊભી કરવી, અનપેક્ષિત કરવું. જો આપણે બધા હમેશાં એકસમાન જ રહીએ તો કંટાળી જઈએ. તેથી જીવનમાં થોડા સમય માટે પણ આવો બદલાવ તાજગી બક્ષનારો બની રહે.
