પોતાની ‘માસૂમ’ ઈમેજ જરાય બોજરૂપ લાગતી નથી

રાશેખર કપૂરની ડિરેકટર તરીકેની ડેબ્યુ ફિલ્મ ‘માસુમ’માં એક મા વિનાના બાળક રાહુલે દર્શકોના દિલ જીતી લીધા હતા. રાહુલ નસીરુદ્દીન શાહના લગ્નબાહ્ય સંબંધથી જન્મેલો એક અનૌરસ બાળક હોવા છતાં બધાની એને માટે સંપૂર્ણ સહાનુભૂતિ હતી. રાહુલનો રોલ કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ જુગલ હંસરાજ આજે ૫૨ વરસના એકટર તરીકે માસુમ (૧૯૮૩)ની સિકવલ ‘માસુમઃ ધ ન્યુ જનરેશન’માં નસીર અને શબાના સાથે પાછો ફરી રહ્યો છે. ડિરેકટર શેખર કપૂરે ફિલ્મની લીડ કાસ્ટ સાથે એને પણ રિપીટ કર્યો છે.

જુગલ હંસરાજ હવે માસુમ ચાઈલ્ડ આર્ટિસ્ટમાંથી એક મેચ્યોર્ડ એકટર, ડિરેકટર અને રાઈટર બની ગયો છે. હમણાં એણે એક ઈંગ્લીશ મિડીયા સાથેના ઈન્ટરવ્યુમાં પોતાની નવી જુની ઘણી વાતો કરી છે. જુગલે સૌપ્રથમ માસુમના ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકેની પોતાની યાદો વાગોળતા કહ્યું, ‘મને યાદ છે કે શેખરજી મારા ડેડી સાથે ફોન પર વાત કર્યા બાદ એક સાંજે અમારા ઘરે આવ્યા હતા. એમણે અમને ફિલ્મની સ્ટોરી સંભળાવી અને ટેપ રેકોર્ડર પર તુઝસે નારાજ નહીં ઝિન્દગી હૈરાં હું મૈં ગીત વગાડયું. એ સાંભળ્યા બાદ મારું પહેલું રિએકશન એ હતું કે મારે આ ફિલ્મમાં કામ નથી કરવું. કારણ કે એ જોઈને સ્કૂલમાં મારા મિત્રો મને રોતલ છોકરા તરીકે ચીડવશે. એ વખતે હું ફક્ત ૯ વરસનો હતો અને એ મારું ચાઈલ્ડીસ રિએકશન હતું. પછી તો શેખર અવારનવાર અમારા ઘરે આવતા થયા અને અમે બંને સારા ફ્રેન્ડસ બની ગયા. મને યાદ છે કે મેં હુઝુર ઈસ કદરના ઈતરાકે ચલિયે સોંગના રેકોર્ડિંગમાં પણ હાજરી આપી હતી, જ્યાં હું આર.ડી. બર્મન અને સુરેશ વાડકરને મળ્યો. પંચમદા બહુ મજાના માણસ હતા. એમણે મને પોતાના સાજિંદાઓ સાથે પરિચય કરાવ્યો. ફિલ્મ ફલોર પર ગયા પછી પણ સેટ પર ફેમિલી જેવો માહોલ રહેતો. અમે બધા એક જ બંગલામાં રહેતા અને અવારનવાર સાથે જમતા. વરસો બાદ યુવા થયા બાદ મને ખબર પડી કે મેં કેટલા ટેલેન્ટેડ લોકો સાથે કામ કર્યું છે. ગુલઝારસાહેબ, નસીરજી, શબાનાજી, પંચમદા અને શેખરજી માસુમ સાથે મારી બહુ સ્પેશ્યલ સ્મૃતિઓ જોડાયેલી છે.’

જુગલને પૂછાયેલો બીજો સવાલ આકરો હતો. ‘શું માસુમમાંથી મળેલી ઈમેજ તમને ક્યારેય નડી છે. મોટા થયા બાદ તમે એકટર તરીકે ચાલ્યા નહિ એટલે પછી રાઈટિંગ તરફ વળ્યા?’ એનો બહુ શાંતિએ ખુલાસો કરતા હંસરાજ કહે છે, ‘હું હંમેશા લો- પ્રોફાઈલ રાખું છું પણ એ મારી ચોઈસ છે. માસુમ બાદ મેં બાળ કલાકાર તરીકે સુભાષ ઘાઈ સાથે ‘કર્મા’ અને ધરમજી સાથે ચારેક ફિલ્મો કરી, જે સારી ચાલી. પછી બ્રેક લઈ હું ૧૯૯૩- ૯૪માં આ ગલે લગજાથી લીડ એકટર તરીકે પાછો ફર્યો. ૨૦૦૬- ૨૭ સુધી ફિલ્મો કર્યા બાદ મેં રાઈટર- ડિરેકટર તરીકે કામ શરૂ કર્યું. ડિરેકટર તરીકે મારી ડેબ્યુ ફિલ્મ રોઈડ સાઈડ રોમિયો હતી, ભારતની પહેલી ફિચર લેંથ એનિમેશન મૂવી હતી. એણે મને બેસ્ટ ડિરેકટર સહિતના ૩ નેશનલ એવોર્સ અપાવ્યા. પછી મેં પ્યાર ઈમ્પોસિબલ પણ ડિરેકટ કરી અને ફિલ્મો (નાદાનિયાં), વેબ સિરીઝ (મિસ મેચડ અને ધ ફેમિલી મેન) અને ટીવી કમર્સિયલ્સમા એક્ટિંગ પણ ચાલુ રાખી. મેં ફિલ્મો કે એક્ટિંગ હજુ છોડી નથી. પ્રોજેક્ટસ નિષ્ફળ જાય એટલે હું નાસીપાસ નથી થતો. ચાઈલ્ડ આર્ટિસ્ટ મોટા થઈને ફલોપ એકટર જ બને છે એવી માન્યતા જરાય સાચી નથી અને માસુમની ઈમેજ વિશે કહું તો હજુ આટલા વરસે પણ મને આટલો બધો સ્નેહ અપાવા બદલ હું દર્શકોનો આભારી છું. માસુમ બોય તરીકેની ઓળખ મને ક્યારેય બોજરૂપ લાગી નથી. ઉલ્ટાનો, એને લીધે હું કૃતજ્ઞા બન્યો છું.’

બહુ ઓછા લોકો જાણે છે જુગલ હંસરાજ હવે મુંબઈ છોડીને યુએસમાં રહે છે. એટલે સમાપનમાં એને એ સંબંધમાં જ પૃચ્છા થાય છે’, ‘યુએસમાં શિફટ થયા બાદ તમારી પર્સનલ અને પ્રોફેશનલ, લાઈફમાં શું બદલાવ આવ્યો?’ એના જવાબમાં એકટર કહે છે, ‘સર, હજુ હમણાં જ ન્યૂયોર્ક રહેવા ગયો છું. હું એક ફ્રીલાન્સ એકટર છું એટલે એક્ટિંગના અસાઈનમેન્ટ મળે ત્યારે મુંબઈ આવું છું. શૂટીંગ પતે એટલે પાછો ન્યૂયોર્ક ભેગો થઈ જાઉં અને એક ઓથર (લેખક) તરીકે તો હું ગમે ત્યાંથી મારું કામ કરી શકું છું. ફિલ્મો કરવા અવારનવાર મુંબઈ આવવાનું થાય છે એટલે મુંબઈને મિસ પણ નથી કરતો. પરંતુ મુંબઈ હંમેશા મારું વતન રહેશે. મારી વાઈફનો ન્યૂયોર્કમાં સારો જોબ છે અને મારો પણ ત્યાંની સ્કૂલમાં ભણે છે. એટલે ત્યાં રહું છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *