દેશની રાજધાની દિલ્હીમાં ધરણા-પ્રદર્શન અને મોટી રેલીઓના આયોજનને લઈને ટૂંક સમયમાં જ કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે રામલીલા મેદાન સહિત અન્ય સ્થળો પર યોજાતી જનસભાઓ અને પ્રદર્શનોને વ્યવસ્થિત કરવા માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી છે. હાલમાં આ નવા નિયમોનો ડ્રાફ્ટ મંજૂરી માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલવામાં આવ્યો છે. એકવાર મંજૂરી મળી ગયા બાદ, દિલ્હીના તમામ પ્રદર્શન સ્થળો પર આ નવી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. તાજેતરમાં થયેલા વિવિધ આંદોલનોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં આયોજકો માટે કેટલીક મહત્ત્વની શરતો મૂકવામાં આવી છે. હવે કોઈપણ ધરણા કે પ્રદર્શન માટે આયોજકોએ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે અને ‘વેન્યુ અવેલેબિલિટી સર્ટિફિકેટ’ લેવું ફરજિયાત બનશે. આ ઉપરાંત, પ્રદર્શનનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે, જે મુજબ માત્ર સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ કાર્યક્રમ યોજી શકાશે.
આયોજકોએ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસ સાથે સંકલન સાધવું પડશે. નવા નિયમોમાં સ્પષ્ટ જણાવાયું છે કે રસ્તા, ફૂટપાથ કે ઈમરજન્સી રૂટ બ્લોક કરવાની મંજૂરી નહીં મળે. તેમજ હથિયારો, જ્વલનશીલ પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જ્યારે ડ્રોન ઉડાડવા માટે પણ અગાઉથી મંજૂરી લેવી પડશે.
