વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલ્લા પાડવામાં આવેલા પાટણથી મુંબઈ સુધીના બાળ તસ્કરી નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુંબઈના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઠ દિવસના બાળકને ત્રણ લાખમાં વેચવા જઈ રહેલા સિદ્ધપુરના મનોજ રાવળ અને વીણા રાવળને ઝડપી પાડી બાળકને સિવિલ હોસ્પિટલમાં દેખરેખ માટે મોકલી આપ્યું હતું. પોલીસે મનોજના સાળા અને મુખ્ય એજન્ટ એવા સુનીલ રાવળ સહિત 9 જણાને ઝડપી પાડ્યા હતા. બાળકના પિતા લક્ષ્મણે રૂ.2 લાખમાં બાળકનું સોદો કર્યો હતો.
મનોજ અને વીણા પાસેથી બાળક લેવા માટે મુંબઈના સોહિલ અને તૌફિક આવવાના હતા. જેથી પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ તેમજ એજન્ટ સુનિલ રાવળના મોબાઈલની વિગતો ઉપરથી મુંબઈના અમરનાથ વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલ અને ભીવંડીની નજમા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા સચિન દેવ મહાવીર નાગનાથ લોખંડે (જસવાઈ ગાવ, ગાયકર કમ્પાઉન્ડ, અંબરનાથ,થાણે, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો છે.
તપાસ દરમિયાન શરૂઆતમાં પોલીસને ડોક્ટર સચિન દેવ ગાયનેક હોસ્પિટલ ધરાવતા હોવાની વિગતો મળી હતી. પરંતુ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા સચિન દેવ ગાયને નહીં પણ એમબીબીએસ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તેની ડીગ્રી સર્ટિફિકેટ મેળવવા તજવીજ કરી છે. એનટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ કે.જી લીમ્બચીયાએ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સચિન દેવ બાળકને પોતાની પાસે રાખ્યા બાદ થોડા દિવસ દેખરેખ રાખવાનો હતો અને કોઈ મહિલાને બાળક આપી દેવાનો હોવાની માહિતી મળતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે સુનીલ સાથે સોદો કરનાર સચિન દ્વારા અગાઉ બાળકને રિજેક્ટ પણ કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે સચિન અને સુનિલના મોબાઇલ ફોનની વિગતો મેળવવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.
