ગુજરાતમાં આમ તો ચાલુ ચોમાસુ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 680 મિ.મીથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને સરેરાશ 75 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યાં 50 ટકા કે તેથી પણ ઓછો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા થોડી વહેલી કહી શકાય તેમ હતી અને બે મહિના થવા આવ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ 50 ટકા વરસાદ નથી નોંધાયો છે. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતા માંડ 6.41 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 29.25 ટકા, પોરબંદરમાં 17.88 ટકા, જામનગરમાં 28.88 ટકા, રાજકોટમાં 46.94 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાબરકાંઠામાં 46.62 ટકા, અરવલ્લીમાં 46.17 ટકા, ગીર સોમનાથમાં 46.55 ટકા, છોટા ઉદેપુરમાં 50.54 ટકા અને જૂનાગઢમાં 55.52 ટકા વરસાદ નોંધાયો છે.
19મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 2726 મિલીમીટર વરસાદ વલસાડમાં નોંધાયો છે. જે સરેરાશ વરસાદ સામે 114.99 ટકા છે. ડાંગમાં 100 ટકાથી વધુ નવસારીમાં 121 ટકાથી વધુ સુરતમાં 105 ટકાથી વધુ તાપીમાં 84.97 ટકા, નર્મદામાં 76.29 ટકા, ખેડામાં 66.1 ટકા, આણંદમાં 63.64 ટકા, ભરૂચમાં 62.35 ટકા, પંચમહાલમાં 76.6 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજ સુધીમાં 596 મિ.મી. વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 30 વર્ષની સરેરાશ સામે 88 ટકા છે.
મહત્ત્વનું છે કે રાજ્યના દસ જિલ્લામાં રાજ્યની 30 વર્ષની સરેરાશ સામે 50 ટકા કે તેથી પણ ઓછો વરસાદ છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષના સરેરાશ વરસાદની વાત કરીએ 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા, 2025માં 128.57 ટકા વરસાદ કુલ સીઝનમાં રાજ્યમાં પડ્યો હતો.
રાજ્યમાં 3 તાલુકામાં 50 મિ.મી સુધી, 7 તાલુકામાં 51થી 125 મિમી અને 14 તાલુકામાં 125થી 250 તથા 116 તાલુકામાં 251થી 500 મિ.મી વરસાદ નોંધાયો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના 9 જિલ્લાના 30થી વધુ તાલુકામાં વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા નિવારવા અને ઊભા પાકને બચાવવા સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો છે. 20મી ઓગસ્ટથી પાણી છોડાશે.
