ભારત અને ચીનની અર્થવ્યવસ્થા એક સમયે લગભગ સમાન સ્તરે હતી, પરંતુ આજે બંને દેશો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આર્થિક અંતર અંગે વાત કરતાં કહ્યું કે 1980ના દાયકામાં ભારતે એક મોટી તક ગુમાવી દીધી હતી, જ્યારે ચીને આધુનિકીકરણ કરીને ઝડપથી પ્રગતિ કરી હતી. તેમણે આ સ્થિતિ માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે 1988માં જ્યારે રાજીવ ગાંધી ચીનની રાજધાની બેઇજિંગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનું કદ લગભગ એકસરખું હતું. જોકે, 1980ના દાયકામાં ચીને મોટા પાયે આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યારે ભારત આ તકનો લાભ ઉઠાવવામાં પાછળ રહી ગયું હતું.
જયશંકરે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચીન સાથે જોડાયેલી સરહદ હવે એક રીતે વધુ સક્રિય બની છે. ગલવાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સરહદ પર પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને સૈન્ય તહેનાત કરવાની ભારતની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના મતે, આ ક્ષેત્રમાં ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
