વડોદરાના અતિ સંવેદનશીલ મનાતા ફતેપુરા વિસ્તારમાં ગઈ રાત્રે ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી તે વખતે આગ લાગવાનો બનાવ બનતા નાસભાગ મચી હતી. આગ નું કારણ ફટાકડાને લગતું હોવાનું મનાય છે.
ફતેપુરા અડાણીયા પુલ વિસ્તારમાં સ્ક્રેપ ની દુકાનો અને મકાનો આવેલા છે, જે દુકાનોમાં મોટાભાગે વાહનોના જુનો સામાન રાખવામાં આવે છે. ગઈકાલે શ્રીજી વિસર્જનની યાત્રાઓ નીકળી ત્યારે આ વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે લાગેલી આગ એટલી ભીષણ બની હતી કે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અફરાતફરી સર્જાઇ હતી.
જોકે અફવા ન ફેલાય અને સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તરત જ એક્શનમા આવી હતી અને ફાયર બ્રિગેડ માટે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ફાયર બ્રિગેડ આવી જતા સ્થાનિક યુવકો તેમજ પોલીસે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી.
