વડોદરા શહેરમાં જર્જરિત મકાનો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં આવેલી સોની પોળમાં ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
સોની પોળમાં જે મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો તેના માલિક આર.પી. મિસ્ત્રીના જણાવ્યા મુજબ, મકાન ભાડે આપવામાં આવ્યું હતું, પરંતુ ભાડુઆત મકાન ખાલી કરતા નહોતા. આથી મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નોટિસ આપવા માટે જાણ કરવામાં આવી હતી. અંતે ભાડુઆતે મકાન ખાલી કર્યું હતું, જોકે તેનો સામાન હજુ પણ મકાનમાં પડ્યો છે. મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયા બાદ હવે વહેલી તકે જર્જરિત મકાન દૂર કરવામાં આવશે તેમ માલિકે જણાવ્યું હતું.
બીજી તરફ, જર્જરિત મકાનો ખાનગી માલિકીની મિલકત હોવા ઉપરાંત કેટલીક મિલકતોમાં કાયદાકીય ગૂંચવણો પણ હોય છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સીધી કાર્યવાહી કરવી મુશ્કેલ બનતી હોય છે. તેમ છતાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને કાયદાની મર્યાદામાં રહીને અસરકારક પગલાં ભરવાં જરૂરી છે.
