તહેવારો પહેલા દારૂની ધૂમ હેરાફેરી કરવામાં આવી રહી હોવાના કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. વડોદરા હાઇવે ઉપર એક સપ્તાહમાં દારૂ ભરેલા ચાર વાહન પકડાયા છે જેમાં 50 લાખથી વધુ નો દારૂ મળી આવ્યો છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર આવી જ રીતે દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો હોવાની પોલીસને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વાહનો પર વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમિયાન ફાજલપુર ટોલનાકાથી વડોદરા હાઇવે તરફ આવી રહેલા એક ટેમ્પાને પોલીસે આંતરતા ડ્રાઇવરે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ભરેલી હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
પોલીસને પૂઠાના બોક્સ તપાસતા પ્લાસ્ટિકની ચીજો મળી હતી અને તેની પાછળ દારૂનો મોટો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે રૂ 18.70 લાખની કિંમત ની દારૂની 12,420 બોટલ, ત્રણ લાખની કિંમતની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તેમજ ટેમ્પો સહિત કુલ 30 લાખ ઉપરાંત ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ટેમ્પોના ડ્રાઇવર દારાસીંગ દીનાનાથી યાદવ (બલીઠા, વાપી) ની પૂછપરછ કરતા તેના ગામના સતિષ યાદવે દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો આપ્યો હોવાની તેમજ ટેમ્પો માલિક મનીષ યાદવે ભાવનગરના રાજુલા ખાતે જઈ ફોન કરવા માટે કહ્યું હોવાની વિગત ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.