વાડી વિસ્તારમાં સોની પોળમાં જર્જરીત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો

વાડી વિસ્તારમાં સોની પોળમાં જર્જરીત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો

વડોદરા શહેરમાં જર્જરિત મકાનો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં આવેલી સોની પોળમાં ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

શહેરમાં અનેક જૂનાં અને જર્જરિત મકાનો જોખમી હાલતમાં છે. આવા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ કેટલીક મિલકતો સામે તાત્કાલિક કાર્યવાહી થતી ન હોવાના કારણે જોખમ યથાવત રહે છે. અનેક વખત જર્જરિત મકાનોના ભાગ તૂટી પડવાની ઘટનાઓ બનતી હોવા છતાં કાયમી ઉકેલ માટે કેવાં પગલાં લેવાય છે તેવો સવાલ ઊભો થયો છે.

સોની પોળમાં જે મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો તેના માલિક આર.પી. મિસ્ત્રીના જણાવ્યા મુજબ, મકાન ભાડે આપવામાં આવ્યું હતું, પરંતુ ભાડુઆત મકાન ખાલી કરતા નહોતા. આથી મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નોટિસ આપવા માટે જાણ કરવામાં આવી હતી. અંતે ભાડુઆતે મકાન ખાલી કર્યું હતું, જોકે તેનો સામાન હજુ પણ મકાનમાં પડ્યો છે. મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયા બાદ હવે વહેલી તકે જર્જરિત મકાન દૂર કરવામાં આવશે તેમ માલિકે જણાવ્યું હતું.

બીજી તરફ, જર્જરિત મકાનો ખાનગી માલિકીની મિલકત હોવા ઉપરાંત કેટલીક મિલકતોમાં કાયદાકીય ગૂંચવણો પણ હોય છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સીધી કાર્યવાહી કરવી મુશ્કેલ બનતી હોય છે. તેમ છતાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને કાયદાની મર્યાદામાં રહીને અસરકારક પગલાં ભરવાં જરૂરી છે.

માત્ર નોટિસ આપવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. જર્જરિત મકાન ધરાશાયી થયા બાદ જાનહાનિ થાય તેની રાહ જોવાને બદલે જોખમી મિલકતોની સમયસર તપાસ, માલિકોને કાયદેસર કાર્યવાહી માટે ફરજ પાડવી અને જરૂર પડે ત્યાં નિયમ મુજબ તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...