સૌરાષ્ટ્રની તમામ એસટી, ખાનગી બસ ફૂલ, ભાડા દોઢથી બે ગણાં થઈ ગયા

સૌરાષ્ટ્રની તમામ એસટી, ખાનગી બસ ફૂલ, ભાડા દોઢથી બે ગણાં થઈ ગયા

અમદાવાદમાં રોજીરોટી અને નોકરી-ધંધા અર્થે વસેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે સાતમ-આઠમનો તહેવાર વતન જવાનો મોટો અવસર બની રહે છે. મિની વેકેશન શરૂ થતાં જ લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે વતનની વાટ પકડી રહ્યા છે. વર્ષ દરમિયાન કામકાજના લીધે પરિવારથી દૂર રહેતા લોકો માટે દિવાળી અને સાતમ-આઠમ જેવા તહેવારો માતા-પિતા, ભાઈ-બહેન અને સગાં-સંબંધીઓ સાથે સમય વિતાવવાની ઉત્તમ તક પૂરી પાડે છે. હાલ ટ્રેનોમાં બુકિંગ ફૂલ હોવાથી અને વેટિંગ લિસ્ટ વધતાં મુસાફરોનો ભારે ધસારો બસ તરફ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી આશરે 80 ટકા એસટી (ST) અને 70 ટકા ખાનગી ટ્રાવેલ્સની બસોની સીટો અત્યારથી જ ભરાઈ ગઈ છે.

ખાસ કરીને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવા પ્રમુખ રૂટ પરની મોટા ભાગની બસો હાઉસફૂલ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં ખાનગી બસોમાં જે ટિકિટ રૂ. 500થી 700માં મળતી હતી, તહેવારોના કારણે તેના ભાડા દોઢથી બે ગણા વધીને રૂ. 800થી 1200 સુધી પહોંચી ગયા છે. આમ છતાં વતન પહોંચવાની આતુરતાને કારણે મુસાફરો આ બમણું ભાડું પણ હોંશે હોંશે ચૂકવી રહ્યા છે. અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવનારા લોકોની સંખ્યા વધુ હોવાથી છેલ્લી ઘડીએ બસ ટિકિટ મેળવવા ઈચ્છતા મુસાફરોને મનપસંદ સમય, સીટ કે ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...