ભોજનમાંથી મરેલા વંદા નીકળતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો, શરૂ કર્યા ધરણા

ભોજનમાંથી મરેલા વંદા નીકળતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો, શરૂ કર્યા ધરણા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અગાઉ ભોજનની હલકી ગુણવત્તાનો વિવાદ સર્જાયો હતો. આ ઘટના હજુ શમી ન હતી ત્યાં જ સમરસ બોયઝ હોસ્ટેલની મેસમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી ફરી સામે આવી છે.

મેસમાં પીરસવામાં આવેલી ભોજનની થાળીમાંથી મરેલો વંદો મળી આવતાં જમવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. સતત વાસી, ગંદુ અને સ્વાસ્થ્ય માટે જોખમી ભોજન પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જમવાની થાળીઓ જમીન પર ફેંકી દઈ હોસ્ટેલ પરિસરમાં જ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો અને નેતા શુભમ રાજપૂત તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થી મોરચાની આગેવાની હેઠળ છાત્રોએ હોસ્ટેલ વહીવટી તંત્ર અને મેસના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ધરણા યોજ્યા હતા.

વિદ્યાર્થી નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગર્લ્સ હોસ્ટેલની ગંભીર ઘટના બાદ પણ તંત્રએ કોઈ પાઠ શીખ્યો નથી. જો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ખીલવાડ કરનારા મેસ સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે સખત ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

સરકારી મદદથી ચાલતી આ વિશાળ હોસ્ટેલમાં હજારો વિદ્યાર્થીઓ વસવાટ કરે છે, છતાં અહીં રસોડામાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાની તાત્કાલિક ધોરણે કડક તપાસ કરવામાં આવે, લદરકાર કોન્ટ્રાક્ટરનો કરાર રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ભવિષ્યમાં શુદ્ધ તથા પૌષ્ટિક ભોજનની કાયમી ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો વિદ્યાર્થીઓએ મક્કમ નિર્ધાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...