ગજબ થયું! અડધી રાતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લોકઅપમાંથી આરોપી ફરાર

ગજબ થયું! અડધી રાતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લોકઅપમાંથી આરોપી ફરાર

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ સહિતના ગુનાઓમાં રિમાન્ડ પર રહેલો 21 વર્ષીય પ્રદીપ ઉર્ફે જાડિયો પાટીલ 20 ઓક્ટોબરે વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચે ફરાર થઈ ગયો. માત્ર 4 મિનિટમાં લોકઅપનો દરવાજો ખોલીને તે નાસી છૂટતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાઈ છે અને તેની શોધખોળ ચાલુ છે.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ રિમાન્ડ પર રહેલો 21 વર્ષીય આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (રહે. વેડરોડ, સુરત) 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યા વચ્ચેના માત્ર ચાર મિનિટના ગાળામાં પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં આરોપીને ફરી પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પ્રાથમિક ફરિયાદ મુજબ, પ્રદીપ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ હતો. વહેલી સવારે તેણે કોઈક રીતે લોકઅપનો દરવાજો ખોલ્યો હતો અને પોલીસકર્મીઓની નજર ચૂકવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતાં પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી હતી. આ ઉપરાંત પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. જે પોલીસ પર કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી છે તે પોલીસ પોતાના જ પોલીસ સ્ટેશનમાં આરોપીને પણ નથી સાચવી શકતી.

પ્રદીપ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે. તેની સામે લૂંટ, લૂંટ દરમિયાન ઈજા પહોંચાડવી, જીવલેણ હથિયારનો ઉપયોગ કરીને લૂંટ અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ અને સહિયારા ઈરાદાથી ગુનો આચરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. આ ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાના ભંગની કલમ પણ લગાવવામાં આવી હતી.

આરોપી કાયદેસરની પોલીસ કસ્ટડીમાંથી નાસી જતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ASI અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પ્રદીપ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 262 હેઠળ નવો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ PSI પી.જી. ગોહિલને સોંપવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાંથી આરોપી કેવી રીતે નાસી છૂટ્યો અને તેમાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ, તે તપાસનો વિષય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...