ભાવનગર શહેરમાં અવારનવાર બનતી દુર્ઘટનાઓની શ્રેણીમાં વધુ એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. કૈલાશ સોસાયટીમાં આવેલા તબેલામાં રાખવામાં આવેલા સુકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.અને તબેલામાં બાંધેલી ચાર ભેંસો જીવતી ભીંજાઈ ગઈ હતી. શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આવેલા મંત્ર કામ્પ્લેક્સ નજીક અને શીતળા માતાના મંદિર પાસે આવેલી કૈલાશ સોસાયટીમાં આ ગંભીર ઘટના ઘટી હતી. અહીં પ્લોટ નંબર ૯૦ માં ઘનશ્યામભાઈ ઢાપાની માલિકીનો પશુઓ માટેનો તબેલો આવેલો છે.
આ તબેલામાં અચાનક રહસ્યમય સંજોગોમાં કે શોર્ટ સકટ જેવી પ્રાથમિક આશંકાઓ વચ્ચે સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. સંદેશો મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો લાખો સાધનો અને પાણીના ટેન્કર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર જવાનોએ સત્વરે કામગીરી શરૃ કરી હતી અને સતત પાણી છાંટીને આગને આસપાસના મકાનો કે અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી. ફાયર સ્ટાફે ત્રણ ગાડી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત અને સંઘર્ષ બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ ભીષણ આગની દુર્ઘટનામાં પશુઓને ખાવા માટે તબેલામાં સંગ્રહ કરીને રાખવામાં આવેલું લાખો રૃપિયાનું સૂકું ઘાસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું. આ આગ એટલી પ્રચંડ હતી કે તબેલાની અંદર કાળઝાળ ગરમી અને ધુમાડાના કારણે બાંધેલી ચાર ભેંસો બહાર નીકળી શકી નહોતી અને ચારેય ભેંસ જીવંત બળીને ભયાનક મોતને ભેટી હતી.
