ખોજા નાકા અને કાલાવડ નાકા વિસ્તારમાં અખાદ્ય ખોરાકનો નાશ, 3 પેઢીઓ બંધ કરાવાઈ, 1 સીલ

ખોજા નાકા અને કાલાવડ નાકા વિસ્તારમાં અખાદ્ય ખોરાકનો નાશ, 3 પેઢીઓ બંધ કરાવાઈ, 1 સીલ

જામનગર શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખોજા નાકા બહાર તથા કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં આવેલી કેટરર્સ, નોનવેજ હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તા.30 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કલરયુક્ત અને અખાદ્ય જણાતા ચીકન, ગ્રેવી, બિરયાની સહિતના ખાદ્યપદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે નિયમોના ભંગ અને ફૂડ લાઇસન્સના અભાવ બદલ એક પેઢીને સીલ કરવામાં આવી હતી તથા જરૂરી સ્વચ્છતાના સુધારા ન થાય ત્યાં સુધી અન્ય ત્રણ પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી એમ.એચ. ગોરી તથા નાયબ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ડેઝિગ્નેટેડ ઓફિસર અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.ખોજા નાકા બહાર આવેલી નીશ્બા કેટરર્સમાંથી બે કિલો સેઝવાન સોસ, બે કિલો નોનવેજ, 15 કિલો ગ્રેવી અને 20 કિલો બિરયાની મળી કુલ 39 કિલો કલરયુક્ત અને અખાદ્ય જણાતા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને આગળનો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવી છે. આ જ વિસ્તારમાં આવેલી હિન્દુસ્તાન નોનવેજમાં સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવા માટે રોજકામ કરી તાકીદ કરવામાં આવી હતી.

કાલાવડ નાકા બહાર આવેલી હુશેની ચીકન પેઢીમાં ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ અને ફૂડ લાઇસન્સ ન હોવાના કારણે પેઢીને સીલ કરવામાં આવી હતી. જ્યારે અજમેરી ચીકન રેસ્ટોરન્ટમાંથી વધુ પડતા કલરવાળો 60 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જરૂરી સ્વચ્છતાના સુધારા ન થાય ત્યાં સુધી આ પેઢી બંધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત નાઈસ સીખ કોર્નરમાંથી 8 કિલો કલરયુક્ત જણાતા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી નમૂનો લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતો. જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી આ પેઢી પણ બંધ કરાવવામાં આવી છે.સ્ટાર પરફેક્ટ અહેમદાબાદીમાંથી 5 કિલો અખાદ્ય જણાતો નોન વેજનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પરફેક્ટ મુંબઈ સ્ટાઈલ કોલસા શાવરમામાંથી નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

આમ, મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના બે વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ લાઇસન્સ અંગે તપાસ હાથ ધરી અખાદ્ય જણાતા ખોરાકનો નાશ કરવા ઉપરાંત નિયમભંગ કરનારા વેપારીઓ સામે સીલિંગ અને ધંધો બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી કડક ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...