6 વર્ષીય બાળકનું મોત; હોસ્પિટલમાં 3 બાળક સારવાર હેઠળ

6 વર્ષીય બાળકનું મોત; હોસ્પિટલમાં 3 બાળક સારવાર હેઠળ

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના વધતા જતા શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારના એક 6 વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે, બાળકના સેમ્પલનો ચાંદીપુરા અંગેનો લેબોરેટરી રિપોર્ટ હજુ બાકી છે.

જામનગર શહેર, જિલ્લો અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાંથી આશરે 10 જેટલા બાળકોને ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ પૂર્વે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 5 શંકાસ્પદ બાળદર્દીઓના મોત નીપજ્યા હતા. ત્યારે ધ્રોલના બાળકના મોત સાથે જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મૃત્યુઆંક વધીને 6 થયો છે.

હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકો સારવાર મેળવી રહ્યા છે, જેમાં કાલાવડ તાલુકામાંથી લાવવામાં આવેલા 2 વર્ષના માસુમ બાળકનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સારવાર હેઠળના બાળકો પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, ડોર-ટુ-ડોર તપાસ અને ડસ્ટિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને ભયભીત ન થવા પરંતુ સાવચેતી રાખવા અપીલ કરી છે. જો બાળકોમાં સતત તાવ, ઝાડા-ઊલટી કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...